જેતપુરમાંથી એસઓજીએ ગોંડલના શખસને પિસ્ટલ સાથે ઝડપી લીધો
Jetpur,તા.17
પાંચ વર્ષ પૂર્વે ગોંડલના શખસ પાસેથી હથિયાર ખરીદી શોખ માટે રાખ્યાનું રટણઃ આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ પોલીસ દ્વારા કાર્યવાહી
રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે જેતપુરમાં ધારેશ્વર ચોકડી પાસેથી ગોંડલમાં રહેતા શખસને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ શખસની પૂછતાછ કરતા પાંચ વર્ષ પૂર્વે ગોંડલના શખસ પાસેથી તેણે આ હથિયાર ખરીદ્યું હોવાની કબુલાત આપી હતી. હાલ આ શખસનું મોત થઈ ગયું હોવાનું માલુમ પડયું છે
જાણવા મળતી વિગતો મુજબ, આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર હોય અને આ ચૂંટણી પ્રક્રિયામાં સુલેહ શાંતિ જળવાઈ રહે અને મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે તે હેતુથી અસામાજિક તત્વો, ગેરકાયદે હથિયાર રાખી ફરતા શખસો પર વોચ રાખવા અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોય જેને લઇ રાજકોટ ગ્રામ્ય એસઓજીના સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. એ દરમિયાન સચોટ બાતમી મળી હતી કે, ગોંડલમાં રહેતો નવાઝ ઉર્ફે લાંબો હાલ જેતપુરમાં છે અને તેની પાસે ગેરકાયદે હથિયાર છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે જેતપુરના ધારેશ્વર ચોકડીથી દાતાર તકિયા પાસેથી નવાઝ ઉર્ફે લાંબો ઇરફાનભાઈ દોઢીયા (ઉ.વ ૨૩ રહે. વોરાકોટડા રોડ, આવાસ યોજના કવાર્ટર નંબર ૨૫૦, ગોંડલ) ને ઝડપી લીધો હતો. પોલીસે તેની અંગ જડતી લેતા તેની પાસેથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી.
હથિયાર સાથે ઝડપાયેલા નવાઝ ઉર્ફે લાંબાની પૂછતાછ કરતા તે મજૂરી કામ કરતો હોવાનું જણાવ્યું હતું. હથિયાર બાબતે પૂછતા તેના મિત્રએ તેને હથિયાર સાચવવા આપ્યું હોવાનું રટણ કર્યું હતું. એસઓજીએ આરોપી સામે આર્મ્સ એકટની એકટની કલમ હેઠળ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.