Prabhaspatan, તા.8
યાત્રાધામ સોમનાથ ખાતે 10 અને 11 ના આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હમીરજી સર્કલથી સદભાવના ગ્રાઉન્ડ સુધી 108 અશ્વ સાથે શૌર્યયાત્રા નિકળશે, જેમાં વડાપ્રધાન જોડાશે. ત્યાંથી સદભાવના ગ્રાઉન્ડ ખાતે પહોંચીને જાહેર સભા સંબોધશે ઝેડ પ્લસ સુરક્ષા ને કારણે પોલીસ દ્વારા જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે સોમનાથમાં તા. 10મીએ બપોરબાદ 5,30 કલાકે વડાપ્રધાનનું આગમન થશે અને રાત્રી રોકાણ કરશે.
બાદમાં તા. 11મીએ સવારે સોમનાથ મહાદેવની પૂજા કરશે અને વીર હમીરજી ગોહીલ સર્કલથી 108 અશ્વ અને ઢોલ-નગારા સાથે શોર્યયાત્રા નિકળશે. વડાપ્રધાનની સદભાવના ગ્રાઉન્ડ મા સભા નુ આયોજન કરવામાં આવેલ છે ત્યાં ખુબજ વિશાળ ડોમ બનાવવાની કામગીરી 24 કલાક ચાલે છે અને એક લાખ લોકો બેસી શકે તેવો ભવ્ય ડોમ તૈયાર થઇ રહેલ છે. વડાપ્રધાનના આગમનને કારણે સદભાવના ગ્રાઉન્ડ અને આજુબાજુ ના રસ્તા ના રીપેરીંગ ની કામગીરી થઇ રહેલ છે. સોમનાથ મંદિર તરફ જતો શંખ સર્કલ પાસે વિશાળ ગેડ બનાવવા આવી રહેલ છે.
ઝેડ પ્લસ સુરક્ષાને લઈને સોમનાથ સરકીટ હાઉસ, સાગર દર્શન, સહિતના ગેસ્ટ હાઉસો રીઝર્વ રાખવામાં આવ્યા છે. આ સાથે હાલ વેરાવળ-સોમનાથમાં રસ્તા, લાઈટ સહિતની કામગીરીનો ધમધમાટ ચાલુ કરી દેવાયો છે.
ગુજરાત સરકારના પ્રવક્તા અને પ્રોટોકોલ મંત્રી જીતુભાઈ વાઘાણીએ ગઇકાલે એક પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ સમગ્ર દેશની આસ્થાના કેન્દ્ર તથા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ ખાતે આગામી તા. 8 થી 11 દરમિયાન ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સહિત સમગ્ર વહીવટી તંત્ર આ પર્વને સફળ બનાવવા માટે કાર્યરત છે. આ પર્વ એ માત્ર ધાર્મિક મહોત્સવ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિના અતૂટ વિશ્વાસ અને આત્મગૌરવનું પ્રતીક પૂરવાર થશે. આજથી સોમનાથ સ્વાભમિાન પર્વ શરૂ થયું છે.
મંત્રીએ જણાવ્યું હતું કે, આજથી અનેક વર્ષો પહેલાં ઈ.સ. 1026માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1,000 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના ર્જીણોદ્ધારનો જે સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ‘ડબલ સંયોગ’ના અવસરે સમગ્ર દેશ સોમનાથના શૌર્ય અને સંઘર્ષના ઇતિહાસને યાદ રાખી શકે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ સ્વાભિમાન પર્વનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 10મી જાન્યુઆરીએ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે. તા. 11ના રોજ ભગવાન સોમનાથના દર્શન-અર્ચન કરીને આ પર્વમાં સહભાગી થશે. દર્શન-અર્ચન બાદ વડાપ્રધાન સોમનાથ મંદિરની બહાર સ્થિત સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ એક ભવ્ય રોડ-શો અને શૌર્ય યાત્રામાં જોડાશે તથા એક વિશાળ જનસભાને સંબોધન કરી દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે,
ડ્રોન-અશ્વ શો
આ પર્વના મુખ્ય આકર્ષણો અંગે મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન આકાશમાં 3000 ડ્રોન દ્વારા સોમનાથના ઇતિહાસ અને ભવ્યતાને દર્શાવતો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન-શો યોજાશે. તદુપરાંત, સોમનાથ મંદિર પર થયેલાં આક્રમણો દરમિયાન મંદિરની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનારા શૂરવીરોને સમર્પિત એક શૌર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 108 અશ્વો સાથેની ભવ્ય શૌર્ય યાત્રા ‘શંખ સર્કલ’થી શરૂ થઈ ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી નીકળશે.
શંખનાદ
વધુમાં, સોમનાથ મંદિરના પ્રાંગણમાં 2,500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે. સાથે જ 1,000 કલાકારો દ્વારા મંદિરની અંદર અને બહાર શંખનાદ કરી વાતાવરણને શિવમય બનાવવામાં આવશે. આ પર્વને વધુ ભવ્ય બનાવવા માટે શિવ ભક્તિ, ભજન અને લોક ડાયરા માટે સમગ્ર વિસ્તારમાં 20 જેટલા ભવ્ય સ્ટેજ તૈયાર કરીને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ખાસ ટ્રેન
મંત્રીએ કહ્યું હતું કે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રાજ્યભરના નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ શકે તે માટે સ્પેશિયલ ટ્રેનોની સુવિધા પણ કરવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે તા. 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. સાથે જ યાત્રિકો માટે રહેવા, જમવા અને દર્શન માટેની તમામ સુવિધાઓ પણ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.
વડાપ્રધાનના માર્ગદર્શનમાં હવે ‘સોમનાથ કોરિડોર’ને પણ સ્વીકૃતિ મળી છે, જેના કારણે આ વિસ્તારમાં પ્રવાસન અને આર્થિક વિકાસને વેગ મળ્યો છે. અયોધ્યા, કાશી અને દ્વારકાની જેમ સોમનાથ પણ આજે વિશ્ર્વકક્ષાએ ભારતની આધ્યાત્મિક ઓળખ બની રહ્યું છે. આ પર્વમાં દેશભરના હજારો સાધુ-સંતો અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે. મંત્રીશ્રીએ તમામ નાગરિકોને આ ‘સ્વાભિમાન પર્વ’માં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવ્યું છે.

