Japan,તા.01
જપાનમાં એક ભાઈએ પોતાના પિતાના મૃતદેહને બે વર્ષ સુધી કબાટમાં છુપાવી રાખ્યો હતો. એનું કારણ એટલું જ હતું કે, તે અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ ટાળવા માંગતો હતો.
2023માં નોબુહિકો નામના 56 વર્ષના માણસના 86 વર્ષના પિતાનું મૃત્યુ થયું હતું. જોકે એ વખતે તેણે અંતિમ સંસ્કાર કરવાનો ખર્ચ જાણ્યો તો એ બહુ મોટી રકમ લાગી.
તેણે અંતિમ સંસ્કાર કરવાનું ટાળીને પિતાનો મૃતદેહ સાચવીને ઘરના કબાટમાં પેક કરીને ભરી દીધો. આ ઘટનાને બે વર્ષ થઈ ગયા અને કોઈને ખબર પણ ન પડી. જ્યારે નોબુહિકોભાઈ જે રેસ્ટોરા ચલાવતા હતા એ સતત ચાર દિવસ સુધી બંધ રહી ત્યારે પાડોશીઓને ચિંતા થઈ કે, ક્યાંક નોબુહિકોને કંઈક થઈ ન ગયું હોય.
પાડોશીએ પોલીસને ઇન્ફોર્મ કર્યું અને પોલીસે તેના ઘરમાં છાપો માર્યો. એ વખતે નોબુહિકો તો ન મળ્યો, પણ ઘરના કબાટમાંથી પિતાનું હાડપિંજર મળ્યું હતું.
જ્યારે પોલીસે પૂછપરછ કરી ત્યારે નોબુહિકોએ કહ્યું હતું કે, ‘2023માં 86 વર્ષે પિતાનું નિધન થયું હતું. હું કામ પરથી ઘરે આવ્યો ત્યારે એક રાતે તેમનું બેજાન શરીર જોવા મળ્યું. એ વખતે અંતિમવિધિ બહુ ખર્ચાળ હતી એટલે મેં દેહ સાચવીને કબાટમાં મૂકી દીધો હતો.’
નોબુહિકોની આ વાત પોલીસને માન્યામાં નથી આવતી. મૃત પિતાનું પેન્શન હડપવા માટે તેણે પિતાના મૃત્યુની હકીકત છુપાવી હશે એવું લાગી રહ્યું છે.