Centurion,તા.30
સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 2 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ટીમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પણ જગ્યા બનાવી લીધી છે. 148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી હોમ ટીમે એક સમયે 99 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. અહીં કાગીસો રબાડા અને માર્કો જેન્સને ફિફ્ટીની ભાગીદારી કરી ટીમને રોમાંચક જીત અપાવી હતી
ટેસ્ટના ચોથા દિવસે દક્ષિણ આફ્રિકાએ 27/3ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું. એઇડન માર્કરામ 37 રન બનાવીને આઉટ થયો હતો, ત્યારબાદ બાવુમા પણ આઉટ થયો હતો. તેણે 40 રન બનાવ્યા હતા. ટીમે 96 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી, અહીં તેને વધુ 52 રનની જરૂર હતી.
4 વિકેટ ઝડપનાર મોહમ્મદ અબ્બાસે ડેવિડ બેડિંગહામ અને કોર્બિન બોશને પેવેલિયન મોકલી દીધા હતા. આ દરમિયાન નસીમ શાહે કાયલ વેરિયનને બોલ્ડ કર્યો હતો. થોડી જ વારમાં ટીમનો સ્કોર 99 રનમાં 8 વિકેટે થઈ ગયો હતો.
100 રનની અંદર 8 વિકેટ ગુમાવ્યા બાદ યાનસન-રબાડાએ રોમાંચક વિજય અપાવ્યો હતો. અને દક્ષિણ આફ્રિકાની કમાન સંભાળી હતી. બંનેએ પહેલા સાવધાનીપૂર્વક બેટિંગ કરી, પછી ખરાબ બોલ પર શોટ રમવાનું શરૂ કર્યું. રબાડાએ 30 રન અને યાનસને 16 રન બનાવી ટીમને જીત તરફ દોરી હતી.
પાકિસ્તાન તરફથી મોહમ્મદ અબ્બાસે 6 વિકેટ લીધી હતી. નસીમ શાહ અને ખુર્રમ શહજાદને પણ 1-1 વિકેટ મળી હતી. આમિર જમાલ કોઈ વિકેટ લઈ શક્યો ન હતો, પરંતુ તેણે માત્ર એક ઓવરમાં 11 રન આપી દીધા હતા.
દક્ષિણ આફ્રિકા કેવી રીતે ફાઇનલમાં પહોંચ્યું?
પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને હરાવીને, દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વર્તમાન ચક્રમાં તેની 7મી જીત નોંધાવી હતી. ટીમના 88 પોઈન્ટ છે અને તે 66.67% પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. હવે જો ટીમ બીજી ટેસ્ટ હારશે તો પણ તે 61.11% પોઈન્ટ પર સમાપ્ત થશે. આવી સ્થિતિમાં તેનું ટોપ-2 સ્થાન પર રહેવાનું નિશ્ચિત છે.
ભારત-ઓસિઝ-શ્રીલંકા રેસમાં
ભારત, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા પણ ફાઈનલ રમવાની રેસમાં છે. આ પૈકી માત્ર ઓસ્ટ્રેલિયા જ તેની તમામ મેચ જીતીને દક્ષિણ આફ્રિકાને પાછળ છોડી શકે છે. ભારત અને શ્રીલંકા તમામ મેચ જીત્યા પછી પણ દક્ષિણ આફ્રિકાને પાછળ છોડી શકશે નહીં. તેથી, ટોપ-2 પોઝિશન ક્ધફર્મ થવાને કારણે, દક્ષિણ આફ્રિકાએ પણ WTC ફાઇનલમાં જગ્યા બનાવી છે.