South Korean, તા. 30
સાઉથ કોરિયાના યુઆન રવિવારે સવારે વિમાન અકસ્માતમાં 179 લોકોના જીવ ગયા હતા. આ ગમખ્વાર પ્લેન ક્રેશમા માત્ર બે વ્યકિતઓ બચ્યા હતા. જેઓ ચાલક દળના સભ્ય હતા આ બંને લોકોએ યાદદાસ્ત ગુમાવી દીધી હોય તેમ બંનેને કંઇ યાદ નહોતુ ઉલ્ટુ ડોકટરને પુછયુ હતું અમે અહીંયા કેમ છીએ ? અમને કોણ લાવ્યું ?
પ્લેન ક્રેશમાં બચેલા નસીબદાર બે વ્યકિતઓ ચાલક દળના સભ્ય છે. ભયાનક અકસ્માતમાં બચેલ બંને વ્યકિતને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવતા તેમને પ્લેન ક્રેશ બારામાં કંઇ યાદ નહોતું. જયારે બંનેને પુછવામાં આવ્યું તો તેમણે સામો પ્રશ્ન કર્યો હતો. અમને અહીં કોણ લાવ્યું ? શું થયું ? બંનેને કંઇ યાદ નહોતું અને ભ્રમિત દેખાતા હતા.
ડોકટરોએ જણાવ્યું હતું કે, તેઓ ભ્રમિત હતા એટલે આવી પ્રતિક્રિયા આપી છે. એક વ્યકિત અકસ્માત દરમિયાન પાછળના ભાગમાં યાત્રીઓની મદદ કરી રહી હતી તેનો એક ખભો તૂટી ગયો છે અને માથામાં ગંભીર ઇજા થઇ છે અન્ય વ્યકિતના હાડકા તૂટી ગયા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દુનિયામાં ગઇકાલે એક જ દિવસમાં પાંચ જેટલા વિમાન અકસ્માતો સર્જાયા હતા જેમાં સૌથી વધુ ભયાનક વિમાની દુર્ઘટના દક્ષિણ કોરીયામાં સર્જાઇ હતી. લેન્ડીંગ વખતે વ્હીલ ન ખુલતા વિમાન ગેટ સાથે ટકરાઇ ગયુ હતું.
ત્યારબાદ વિસ્ફોટ પછી અગનગોળામાં લપેટાઇ ગયું હતું. આ દુર્ઘટનામાં 181માંથી 179 લોકોના મોત નિપજયા હતા. માત્ર બે જ લોકોનો ચમત્કારિક બચાવ થયો હતો અને તેઓની હાલત પણ ગંભીર ગણાવવામાં આવી રહી છે.