California,તા.28
સ્પેસલેબમાં ફસાયેલા સુનિતા વિલિયમ સહિતના બન્ને અવકાશયાત્રીઓને સલામત પૃથ્વી પર પરત લાવવામાં સફળતા મેળવનાર વિશ્વના સૌથી જાણીતા સાહસિક ઉદ્યોગપતિ એલન મસ્કની કંપની SpaceXને તેના Starship પ્રોગ્રામની નવમી ટેસ્ટ- ઉડાનમાં પણ નિષ્ફળતા મળી છે.
વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ Starship તેના લોન્ચીંગના 30 મીનીટમાં જ કંટ્રોલ ગુમાવી બેઠુ હતું અને તે પૃથ્વીના વાતાવરણમાં ફરી પ્રવેશ કરીને નષ્ટ થઈ ગયુ હતું. જો કે Starshipના બુસ્ટરે મેકસીકો ખાડી જે હવે ગલ્ફ ઓફ અમેરિકા તરીકે ઓળખાય છે. તે સમુદ્રી ક્ષેત્રમાં હાર્ડ લેન્ડીંગ કર્યું હતું.
આ હાર્ડ લેન્ડીંગ સમયે પણ સ્પેસ એકસના વૈજ્ઞાનિકોએ એક સફળ પ્રયોગ કર્યો હતો તેનું એક એન્જીન બંધ કરી દેવાયુ હતુ. જેથી બેકઅપમાં રહેલા એન્જીનની ક્ષમતા પણ ચકાસી હતી જે સફળ રહી છે. 403 ફુટની ઉંચાઈનુ આ Starship ભવિષ્યની અવકાશી-લાંબી સફર માટે મહત્વપૂર્ણ છે.
અમેરિકાના ટેકસાસમાં તે કંપનીના લોન્ચીંગ પેડ પરથી રવાના કરવામાં આવ્યુ હતું. આ Starshipનો નીચેનો છેલ્લો ભાગ જે બુસ્ટર કહેવાય છે તેને સાતમા ટેસ્ટમાં પણ સલામત બચાવવામાં સફળતા મળી હતી.
હવે આજના ટેસ્ટમાં તેનુ હાર્ડ લેન્ડીંગ થયું હોવાથી નુકશાનીનો અંદાજ મેળવાશે. આ Starship આકાશમાં ખૂબજ લાંબી સફર માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તેને એક વખત પૃથ્વી પર પરત લવાયા બાદ ફરી તેનો ઉડાન માટે ઉપયોગ કરી શકાય છે.
આ ટેસ્ટની નિષ્ફળતા છતા પણ એલન મસ્કે તેના સોશ્યલ મીડીયા હેન્ડલ પર સંતોષ દર્શાવતા કહ્યું કે Starship તેના કટ ઓફ સ્ટેજ પર પહોંચી ગયું છે. જેથી હવે આગળના ત્રણ લોન્ચીંગ વધુ ઝડપી હશે. આ પ્રયોગનો ઉદેશ પુરા મિશનમાં Starshipની ક્ષમતા તપાસવાનો છે.
ખુદ એલન મસ્કે આ ફલાઈટને નિહાળી હતી અને કહ્યું કે દરેક સમયે આપણે કંઈક જાણીએ છીએ. 9 મીટરના ડાયામીટર ધરાવતું આ સ્પેસ શટલ 100થી 150 મેટ્રીક ટન વજનનું બને છે.