Spain, તા.૩૧
સ્પેનના વેલેન્સિયામાં આઠ કલાકમાં એક વર્ષ જેટલો વરસાદ પડતા નદીઓમાં પૂર આવ્યું છે. પરિણામે ૯૫ લોકોના મોત થયા છે. રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા અને કાર તરતી જોવા મળી. રેલ લાઈનો અને હાઈવે ખોરવાઈ ગયા હતા. ત્રણ દાયકામાં આ સૌથી ભયાનક કુદરતી આફત છે. ભારે વરસાદ લાવનાર વાવાઝોડાને કારણે મલાગાથી વેલેન્સિયા સુધીના દક્ષિણ અને પૂર્વી સ્પેનના મોટા ભાગોમાં પૂર આવ્યું. વાવાઝોડું ઉત્તર-પૂર્વ તરફ આગળ વધતાં કેટાલોનિયાના ભાગો માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ઘરોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે લઈ જવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા પોતાની કારની ઉપર ઉભા હતા. વેલેન્સિયાના યુટીએલના મેયર રિકાર્ડો ગેબાલ્ડને કહ્યું કે તે તેમના જીવનનો સૌથી ખરાબ દિવસ હતો. અમે ફસાઈ ગયા. ગાડાં અને કચરાનાં ડબ્બા રસ્તાઓ પર વહેતાં હતાં. પાણી ત્રણ મીટર સુધી વધી ગયું હતું. ઘણા લોકો હજુ પણ ગુમ છે.
મલગા નજીક ૩૦૦ લોકોને લઈ જતી હાઈ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. જોકે, કોઈને ઈજા થઈ ન હતી. વેલેન્સિયા અને મેડ્રિડ વચ્ચે હાઈ-સ્પીડ ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. મેડ્રિડ અને બાર્સેલોના શહેરોની ટ્રેનો રદ કરવામાં આવી હતી. શાળાઓ અને અન્ય આવશ્યક સેવાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. સરકારે ગુરુવારથી ત્રણ દિવસનો શોક જાહેર કર્યો છે.
અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જાહેર સેવાઓ સાથે મેડ્રિડ અને વેલેન્સિયા વચ્ચેની ટ્રેન સેવાઓ સ્થગિત કરવામાં આવી છે. વેલેન્સિયામાં શાળાઓ, સંગ્રહાલયો અને જાહેર પુસ્તકાલયો ગુરુવારે બંધ રહેશે. સીએનએન અનુસાર, લગભગ ૧,૨૦૦ લોકો હજુ પણ વેલેન્સિયામાં હાઇવેના વિવિધ ભાગો પર ફસાયેલા છે, અને વધતા પાણીને કારણે ૫,૦૦૦ વાહનો અટવાયા છે નદીઓ નજીકના વિસ્તારોમાં, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા, વાહનો અને કાટમાળ ધોવાઈ ગયા.
નિષ્ણાતોના મતે, ભારે વરસાદનું કારણ ઠંડા અને ગરમ પવનોના સંયોજનને કારણે ગાઢ વાદળોની રચના હતી. આ વાદળો ભારે વરસાદનું કારણ બન્યા હતા. તાજેતરના સમયમાં, વિશ્વમાં ઘણી જગ્યાએ આ પ્રક્રિયાને કારણે ભારે વરસાદ અને વિનાશની ઘટનાઓ બની છે. સ્પેનિશમાં આને ‘દાના’ અસર કહે છે.