Rajkot,તા.13
રાજકોટ શહેર-જિલ્લામાં મતદારયાદી શુધ્ધીકરણ (એસઆઈઆર)ની ચાલી રહેલી કામગીરીમાં મતદાર ફોર્મ વિતરણની 98 ટકા કામ પૂર્ણ કરી દેવામાં આવેલ છે. જિલ્લામાં 23.91 લાખ પૈકીના 23.35 લાખ મતદારોને મતદાર ફોર્મ પહોંચતા કરી દેવામાં આવેલ છે. તેમ કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવી ઉમેર્યું હતું કે બે દિવસમાં જેઓને મતદાર ફોર્મ હજુ મળેલ નથી તે 55 હજાર મતદારોને પણ આ ફોર્મ પહોંચતા કરી દેવાશે.
મતદારયાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના તમામ 2256 મતદાન બુથો પર આગામી તા.15 અને 16 તેમજ તા. 22 અને 23 એમ ચાર દિવસ ખાસ ઝુંબેશ યોજાશે. જેમાં આ તમામ મતદાન બુથો પર બુથ લેવલ ઓફીસર (બીએલઓ) સવારના 9થી 1 કલાક દરમ્યાન બેસી મતદારોના મુંઝવતા પ્રશ્નોનું સમાધાન કરશે. જેમાં જરૂરી માર્ગદર્શન પુરૂ પાડશે. મતદાર ફોર્મમાં આપેલી વિગતો ભરવામાં પણ મદદરૂપ બનશે.
આ ઉપરાંત જે મતદારોને ફોર્મ મળેલ નથી તેઓને ફોર્મ પણ પુરૂ પાડશે. તેમ પણ જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું. મતદાર યાદી સુધારણાની આ ખાસ ઝુંબેશમાં જે મતદારોના નામ 2002ની મતદાર યાદીમાં ન હોય તેવા મતદારોને આધાર પુરાવા અંગેનું માર્ગદર્શન પણ આ ખાસ ઝુંબેશમાં મતદારોને પુરૂ પાડવામાં આવશે.
અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, એસઆઈઆરની કામગીરીમાં રાજકોટ જીલ્લો જે રેડઝોનમાં મુકાયો હતો આ રેડઝોનમાંથી આ જીલ્લો હવે બહાર નીકળી ગયો છે. જીલ્લાના તમામ તાલુકાઓમાં એસઆઈઆરની આ કામગીરીમાં બીએલઓને સહાયરૂપ બનવા માટે હેલ્પ સેન્ટરો પણ ધમધમતા કરી દેવામાં આવેલ છે. મતદાર ફોર્મ વિતરણની કામગીરી હવે બે ટકા બાકી રહી છે જેમાં 55 હજાર મતદારોને મતદાર ફોર્મ હવે બે દિવસમાં જ વિતરણ કરી દેવાશે.

