Gandhinagar, તા. 16
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વ ક્લાસના વ્યાપક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની સાથોસાથ અહીં આધ્યાત્મિક, સાહસિક, સાંસ્કૃતિક પ્રવૃતિને વેગ આપવા માટે પણ આયોજનો કરવાની જાહેરાત કરી છે.
આ માટે રૂા. 1100 કરોડના પ્રોજેકટના પ્રથમ તબકકાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમગ્ર પ્રોજેકટ ત્રણ તબકકામાં ચાલશે. જેનું નિરીક્ષણ કરીને મુખ્યમંત્રીએ યોગ્ય સૂચનાઓ પણ આપી હતી.
ગુજરાતના વિવિધ પ્રવાસન સ્થળની જેમ ધરોઈને પણ ’આઈકોનિક પ્લેસ’ તરીકે વિકસાવવામાં આવશે. એટલું જ નહિ, પોળો ફોરેસ્ટ, તારંગા, વડનગર, અંબાજી સહિતના ઉત્તર ગુજરાતનાં પ્રવાસન સ્થળો અને યાત્રાધામોના વિકાસ દ્વારા ટુરિઝમ સર્કિટ વિકસાવવાના ભવિષ્યલક્ષી આયોજન માટે પણ રાજ્ય સરકાર કાર્યરત છે.
રાજ્યના જળાશયોમાં આવેલા નવાં નીરને પગલે ધરોઈ ડેમમાં આ વર્ષે 70.80 ટકા જેટલું નવું પાણી આવ્યું છે તેનું નિરીક્ષણ કરવા ધરોઈ ડેમની તેમણે મુલાકાત લીધી હતી. ડેમ સાઈટની તેમની નિરીક્ષણ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ ડેમ સેફ્ટી અંગેની ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.
રાજ્યમાં સરદાર સરોવર નર્મદા ડેમ સહિત 22 મોટા, 96 મધ્યમ અને 1006 નાના મળીને સમગ્રતયા 1124 જળાશયો આવેલા છે. આ જળાશયોમાંથી 1 MCMથી વધુ જળસંગ્રહ ક્ષમતા ધરાવતા 523 ડેમોનું પ્રિ-મોન્સૂન ઇન્સ્પેક્શન નેશનલ ડેમ સેફ્ટી ઓથોરિટીની ગાઈડલાઈન મુજબ મે-2024માં પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.
બધા જ ડેમ સલામત અને સુરક્ષિત છે તેમ ડેમ સેફ્ટી અંગેની આ સમીક્ષા બેઠકમાં જણાવવામાં આવ્યું હતું. 1 MCMથી ઓછી સંગ્રહ શક્તિ ધરાવતા 600 ડેમોનું પણ પ્રિ-મોન્સૂન ઈન્સપેક્શન પૂર્ણ થઈ ગયું છે અને તે બધા ડેમ પણ સેફ સ્ટેજ પર છે તેની પણ સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.
સમગ્ર રાજ્યમાં 25થી વધુ જળાશયો 100 ટકા કે તેથી વધુ, 56 જળાશયો 70 થી 100 ટકા, 43 જળાશયો 50 થી 70% તેમજ 42 જળાશયો 25 થી 30 ટકા અને 40 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયેલા છે તેની સંપૂર્ણ વિગતોનું પ્રેઝન્ટેશન આ બેઠકમાં કરવામાં આવ્યું હતું.