Gandhinagar તા.18
ઓલિમ્પિક=કોમનવેલ્થ જેવી વૈશ્વિક સ્પોર્ટસ ઈવેન્ટની યજમાનીનાં પ્રયાસો વચ્ચે ગુજરાતમાં રમત ગમતને વધુને વધુ પ્રોત્સાહન આપવા નવા-નવા ઈન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવાનાં ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારે હવે તમામ 17 મ્યુનિસિપલ કોર્પોરેશન ધરાવતાં શહેરોમાં સ્પોર્ટસ કોમ્પ્લેકસ ઉભા કરવાની યોજના તૈયાર કરી છે.
રમત ગમતને પ્રોત્સાહન આપવા તથા આંતર રાષ્ટ્રીય ક્ષેત્રે સ્થાનિક યુવાનોને આગળ વધવાની તક મળી રહે તે માટે જુના આઠ કોર્પોરેશન શહેરો તથા નવી જાહેર થયેલી 9 કોર્પોરેશનના શહેરોમાં નવા સ્પોર્ટસ કોમ્પ્લેકસનું નિર્માણ કરવામાં આવશે.
શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે રાજયના રમત ગમત મંત્રાલય દ્વારા આ બીડુ ઝડપવામાં આવ્યું છે. સરકાર 2030 ના કોમનવેલ્થ ગેમ્સ તથા 2036 ના ઓલિમ્પિક માટે યજમાની કરવા પ્રયાસ કરી રહી છે. તેવા સમયે આ પ્રોજેકટ મહત્વનો બની શકે છે.
કેન્દ્ર સરકારનાં સહયોગથી અમદાવાદમાં તો રમતગમત માટેના નવા સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રકચર નિર્માણ પામી રહ્યા જ છે. તે જ ધોરણે અન્ય શહેરોનાં રમતવીરોને પણ સ્પોર્ટસમાં આગળ વધવાની તક મળે તે માટે ગુજરાત સરકારે પહેલ કરી છે.
રાજય સરકારનાં સુત્રોએ કહ્યું કે મ્યુનિસિપલ કોર્પોરેશન ધરાવતા 17 પૈકી મોટા શહેરોમાં આંતર રાષ્ટ્રીય માપદંડ-ધોરણો મુજબનાં જ સ્પોર્ટસ, કોમ્પ્લેકસ તૈયાર કરવાની યોજના છે.નાના શહેરોમાં રમતવીરો માટે અનિવાર્ય હોય તેવી સુવિધા ઉભી કરવામાં આવશે.
સ્પોર્ટસ કોમ્પ્લેકસની સાથોસાથ રમતવીરો માટે ફીઝીકલ તથા ડીજીટલ સંશાધનો સાથે લાયબ્રેરી પણ બાંધવામાં આવશે.ઉપરાંત પરફોર્મીંગ આર્ટસ કેન્દ્રો, ઓડીટોરીયમ તથા પ્રવાસન-સાંસ્કૃતિક પ્રવૃતિ માટેના મ્યુઝીયમ પણ બાંધવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં તો સ્પોર્ટસનાં વિરાટ પ્રોજેકટ તૈયાર કરવામાં આવી જ રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે તાજેતરમાં જ સૌથી મોટા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષનું ઉદઘાટન કરાયુ હતું. ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે મોટો પ્રોજેકટ પણ તૈયાર થઈ જ રહ્યો છે.