Junagadh, તા.૨3
જૂનાગઢ કલેકટર કચેરી ખાતે નેશનલ સ્પોર્ટ્સ ડે-૨૦૨૫ અને શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫ અન્વયે જૂનાગઢ જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
કલેકટર અનિલકુમાર રાણાવસિયા એ પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં જણાવ્યું હતું કે, સમગ્ર દેશભરમાં દર વર્ષે તા. ૨૯ ઓગસ્ટના રોજ હોકી રમતના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદના જન્મ જયંતિને નિમિતે નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. જે અન્વયે સમગ્ર દેશની સાથે જુનાગઢ જિલ્લામાં તા. ૨૯ થી ૩૧મી ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન જિલ્લાની તમામ શાળાઓ, ગ્રામ્ય-તાલુકા તથા કોલેજમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ની જાગૃતિ અંગે વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
કલેકટર એ વધુ વિગતવાર જાણકારી આપતાં કહ્યું કે, તા.૨૯મી ઓગસ્ટના રોજ બીએપીએસ સ્વામીનારાયણ વિધાલય, ટીંબાવાડી ખાતે જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.જેમા હોકી પેનલ્ટી શુટઆઉટ,સ્કીપીંગ રોપ, સૂર્ય નમસ્કાર, રાષ્ટ્રીય કક્ષાના ખેલાડીનું સન્માન, મહાનુભાવોનો સંવાદ સહિતના કાર્યક્રમ યોજાશે. તા. ૩૦મી ઓગસ્ટના રોજ પોલીસ હેડ કવાર્ટર, બીલખા રોડ ખાતે અધિકારીઓ – કર્મચારી તેમજ નાગરિકો માટે ગોળાફેક, ૧૦૦ મીટર દોડ, રસ્સા ખેચ, ફૂટબોલનું આયોજન કરવામાં આવશે. તા.૩૧ મી ઓગસ્ટના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા fit india movement” અને “Sunday on cycle કાર્યક્રમ અંતર્ગત ઝાંસીની રાણીન સ્ટેચ્યુથી મોતીબાગ સુધી સાઇકલ રેલીનું આયોજન કરવામાં આવશે.
સ્પોર્ટ્સ વીકની ઉજવણી અંતર્ગત તા. ૨૫ ઓગસ્ટ થી ૨૮ ઓગસ્ટ સુધી દરેક શાળાઓમાં હોકી પેનલ્ટી શુટઆઉટ,ગ્રામ પંચાયતો -તાલુકાઓ મા સ્કીપિંગ રોપ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના કેન્દ્ર પર સૂર્યનમસ્કાર સ્પર્ધાઓ યોજાશે. જેમાં વિજેતા બનનાર સ્પર્ધકો તા. ૨૯ ઓગસ્ટના જૂનાગઢ ખાતે મુખ્ય કાર્યક્રમોમાં ભાગ લેશે.
આ તકે કલેક્ટર એ જૂનાગઢ જિલ્લાના નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, સ્પોર્ટસ ડેની ઉજવણીનો હેતુ લોકો રમતને પોતાના જીવનનો એક ભાગ બનાવે, સ્પોર્ટ્સ કલ્ચર બને એ માટેનો છે. ત્યારે જૂનાગઢ જિલ્લાના નાગરિકો આ ઉજવણીમાં સહભાગી બને એ માટે અપીલ કરી હતી.
કલેકટરશ્રીએ શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા વિશે જણાવ્યુ કે, રાજયભરમાં ગણપતિ ઉત્સવ યોજાઈ છે. વિવિધ સ્થળે બનાવવામાં આવતા ગણેશ પંડાલમાંથી બેસ્ટ ઓફ થ્રી ને ઈનામો આપવામાં આવશે.આ ઉપરાંત ૫ (પાંચ) પંડાલ કૃતિને પ્રોત્સાહન માટે પસંદ કરી તેમને પણ પુરસ્કાર આપવામાં આવશે.
આ તકે જુનાગઢના પોલીસ વડા સુબોધ ઓડેદરા, મહાનગરપાલિકા કમિશનર તેજસ પરમાર તથા જુનાગઢ જિલ્લાના પ્રીન્ટ અને ઈલેકટ્રોનીક મીડિયાના પ્રતીનીધીઓ ઉપસ્થીત રહયા હતા.

