Colomboતા.૨૭
શ્રીલંકન ક્રિકેટ ટીમના કેપ્ટન ચરિથ અસલંકાની કેપ્ટનશીપ હવે ગંભીર મુશ્કેલીમાં મુકાઈ ગઈ હોય તેવું લાગે છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી ટી ૨૦ ત્રિકોણીય શ્રેણી દરમિયાન અસલંકા અચાનક ઘરે પરત ફર્યો, ત્યારબાદ દાસુન શનાકાને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. ઉલ્લેખનીય છે કે, અસલંકાએ ૨૦૨૩ માં શનાકા પાસેથી કેપ્ટનશીપ સંભાળી હતી.
પાકિસ્તાનમાં ચાલી રહેલી વનડે શ્રેણી દરમિયાન અસલંકાએ ટીમનું નેતૃત્વ કર્યું હતું, પરંતુ ઇસ્લામાબાદમાં થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં નવ લોકોના મોત થયા બાદ, તેમણે પ્રવાસ રદ કરવાની માંગ કરી હતી. અહેવાલો અનુસાર, તેમણે કેટલાક ખેલાડીઓને સ્વદેશ પાછા ફરવા માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા. શ્રીલંકા ક્રિકેટ બોર્ડએ તેમની માંગણીનો સખત અસ્વીકાર કર્યો હતો, અને કડક કાર્યવાહી કરવાની ધમકી આપી હતી. જોકે, બોર્ડની માંગને પગલે, શ્રીલંકાની ટીમ પાકિસ્તાનમાં જ રહી ગઈ અને બાકીની મેચો ફરીથી શેડ્યૂલ કરવામાં આવી.
આ પછી, અચાનક જાહેરાત કરવામાં આવી કે અસલંકામાં બીમારીને કારણે વાપસી થઈ રહી છે અને શનાકા કેપ્ટનશીપ સંભાળશે. શ્રીલંકાના મુખ્ય પસંદગીકાર ઉપુલ થરંગાએ ૨૬ નવેમ્બરના રોજ મીડિયાને જણાવ્યું હતું કે વાયરલ તાવને કારણે અસલંકાને શ્રીલંકા પરત ફરવું પડ્યું છે. જોકે, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું અસલંકાને કેપ્ટનશીપ પરથી દૂર કરવામાં આવ્યા છે અને શું શનાકા ્૨૦ વર્લ્ડ કપમાં કેપ્ટન રહેશે, ત્યારે થરંગાએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો.
૨૦૨૬ ટી ૨૦ વર્લ્ડ કપ ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકાના સંયુક્ત યજમાનીમાં રમાશે. આ ટુર્નામેન્ટ ૭ ફેબ્રુઆરીથી શરૂ થશે, જેની ફાઇનલ ૮ માર્ચે થશે. પરિણામે, કેપ્ટનશીપ અંગેની મૂંઝવણે શ્રીલંકા ક્રિકેટમાં એક નવો હલચલ મચાવી દીધી છે.
નોંધનીય છે કે પાકિસ્તાન પહેલાથી જ ટી ૨૦ ત્રિકોણીય શ્રેણીના ફાઇનલમાં સ્થાન મેળવી ચૂક્યું છે. હવે, શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ફાઇનલ માટેનો જંગ ચાલી રહ્યો છે. ઝિમ્બાબ્વે ચાર મેચમાંથી ફક્ત એક જીતી શક્યું છે, ત્રણમાં હાર્યું છે. બીજી તરફ, શ્રીલંકાએ ત્રણ મેચમાંથી ફક્ત એક જીતી છે, બેમાં હારનો સામનો કરવો પડ્યો છે. ફાઇનલ પહેલાનો છેલ્લો લીગ સ્ટેજ મેચ શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ૨૭ નવેમ્બરે રાવલપિંડીમાં રમાશે.

