Dubai,તા.27
શ્રીલંકાનાં સ્ટાર ઓપનર પથુમ નિસાંકાએ શુક્રવારે ભારત વિરુદ્ધ શાનદાર બેટિંગ કરીને ટી 20 એશિયા કપ 2025 માં ઇતિહાસ રચ્યો હતો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી સુપર-ફોર મેચમાં નિસાંકાએ ફાસ્ટ સદી ફટકારવાની સાથે ભારતનાં લેજન્ડરી વિરાટ કોહલીનો મહત્વનો રેકોર્ડ પણ તોડી નાંખ્યો હતો.
નિસાંકાએ માત્ર 25 બોલમાં અડધી સદી અને 52 બોલમાં સદી પુરી કરી હતી. આ ઈનિંગની સાથે તે ટી-20 એશિયા કપમાં 12 ઈનિંગમાં 50થી વધુનો સ્કોર કરનારો સૌપ્રથમ બેટ્સમેન બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે હતો, જેણે 9 ઈનિંગમાં ચાર 50+ સ્કોર બનાવ્યાં હતાં.
ટી-20 એશિયા કપમાં અત્યાર સુધીનાં હાઈએસ્ટ 50+ સ્કોર ફટકારવામાં નિસાંકા મોખરે છે. તેનાં પછી વિરાટ કોહલી (4 ઇનિંગ્સ), મોહમ્મદ રિઝવાન (6 ઇનિંગ્સ), કુશલ મેન્ડિસ (12 ઇનિંગ્સ) અને ભારતનાં યુવા બેટ્સમેન અભિષેક શર્મા (6 ઇનિંગ્સ)એ ત્રણ વખત આ સિદ્ધિ હાંસલ કરી છે.
નિસાંકા એશિયા કપમાં સદી ફટકારનારો ત્રીજો બેટ્સમેન બન્યો
નિસાંકાએ લોંગ ઓન પર શાનદાર સિક્સર ફટકારીને સદી પૂરી કરી હતી. આ સાથે તે ટી-20 એશિયા કપમાં સદી ફટકારનારો ત્રીજો બેટ્સમેન બની ગયો છે. તેના પહેલાં માત્ર વિરાટ કોહલી અને બાબર હયાત જ આ સિદ્ધિ મેળવી શક્યા હતાં. હયાતે 2016માં સદી ફટકારી હતી. જ્યારે વિરાટ કોહલીએ 2022માં સદી ફટકારી હતી.