New Delhi,તા.11
પુલવામા અને પહેલગામ જેવા ઘાતક ત્રાસવાદી હુમલામાં કાશ્મીર ખીણ વિસ્તાર નિશાન પર હતું અને તેમાં સલામતી દળોના જવાનો અને નિર્દોષ સહેલાણીઓ ત્રાસવાદના નિશાન પર આવ્યા હતા પણ હવે ખીણથી ત્રાસવાદ ફરી કાશ્મીર બહાર નિકળ્યો હોવાનું તથા દિલ્હી-ઉતરપ્રદેશ આપોઆપ કેન્દ્રીત થયો હોવાનું ગઈકાલે હરિયાણાના ફરિદાબાદમાં જે વિસ્ફોટકો તથા હથિયારોનો જથ્થો મળ્યો તેનાથી નિશ્ચિત થયું.
દિલ્હી બ્લાસ્ટ એ ત્રાસવાદી હુમલો જ હતો તે હવે સાબીત થતા ફરી એક વખત દેશના મહાનગરો ત્રાસવાદના ટાર્ગેટ પર હોવાનું નિશ્ચિત થઈ રહ્યું છે. વાસ્તવમાં હવે ત્રાસવાદ એ `વ્હાઈટ કોલર ક્રાઈમ’ જેવો બનવા લાગ્યો છે તે પણ ચિંતા છે અને જમ્મુ-કાશ્મીરથી છેક ઉતરપ્રદેશ-ફરિદાબાદના તબીબોની તેમાં સંડોવણી દર્શાવે છે કે જૈશ એ મોહમ્મદ તથા લશ્કરે તોયબાએ નવી કેડર બનાવી લીધી છે અને તેનુ સીધુ કનેકશન પાકિસ્તાન સાથે છે.
ફરિદાબાદમાં ગઈકાલે એક તબીબ એ ભાડે રાખેલ રૂમમાંથી 2900 કિલો જેટલો વિસ્ફોટક હાથ કરાયા. સાથે વિસ્ફોટમાં ઉપયોગમાં લઈ શકાય તેવા રસાયણ બેટરી તથા એસોલ્ટ રાઈફલ અને કાશ્મીરમાંથી એક સ્થાનિક તબીબ પાસેથી એકે 47 રાઈફલ ઝડપાઈ તે પણ આ સ્થિતિની સાક્ષી આપે છે.
આમ આ રીકવરીમાં બે તબીબ સાથે દિલ્હીમાં જે કાર બોમ્બ વિસ્ફોટ થયો તેમાં પણ ડો.ઉમરની સીધી સંડોવણી ભારતમાં ત્રાસવાદ એ કોઈ બેકાર કે ફકત પૈસાની લાલચે કામ કરનાર જ સંડોવાયા હોય તેવુ રહ્યુ નથી.
બે કાશ્મીરી તબીબોએ પાકિસ્તાનથી છેક દિલ્હી સુધી મોતનો સામાન પહોંચાડવા પ્રોફેશન્સ ઢબે લોજીસ્ટીક ચેઈન બનાવી હતી અને ત્રીજા તબીબે તે વિસ્ફોટ કર્યો.
આ પ્લોટનો પ્રારંભ તા.19 ઓકટોના રોજ થયો જયારે કાશ્મીરના નૌવા ગામમાં જે શ્રીનગરના એક સેટેલાઈટ ક્ષેત્ર ગણાય છે ત્યાં પોલીસે `બદલાના હુમલો’- રીવેંજ એટેક દર્શાવતા જે પોષ્ટર લાગ્યા હતા તે દુર કર્યા હતા અને તે પોષ્ટરની કડી છેક ફરીદાબાદમાં તબીબના મોતના ગોદામ સુધી દોરી ગઈ હતી અને તેની ઓળખ ડો. મુઝામીલ અહેમદ ગનઈ તરીકે થઈ હતી.
જે મુળ પુલવામાનો હતો અને હાલ ફરીદાબાની અલ ફલાહ હોસ્પીટલમાં ઈમરજન્સી વિભાગમાં નોકરી કરતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસની એક ટીમ બાદમાં ફરિદાબાદ પહોંચી હતી અને ડોકટરની પુછપરછ શરુ કરી હતી. તેણે કબુલી લીધુ કે તેના એક ભાડાના રૂમમાં કેટલાક કેમીકલ મટીરીયલ સંગ્રહ કરવામાં આવ્યા છે.
પોલીસે જયારે એક ફલેટનો રૂમ તોડયો તો આશ્ચર્ય સર્જાયુ. કોઈ વોર રૂમ જેવું દ્રશ્ય હતું. એમોનીયમ નાઈટ્રેટ, સલ્ફર અને એલ્યુમીનીયમ પાવડર જે શક્તિશાળી વિસ્ફોટકો બનાવવામાં મહત્વના ઘટકો છે. સાથે ટાઈમર-ડિટોનર ને રીમોટ કંટ્રોલ સર્કીટ ભૂમી એક એસોલ્ટ રાઈફલ અને ઢગલાબંધ કારતૂસ અને સંદેશા વ્યવહાર માટે વોકીટોકી અને તે સમયે જ અંદાજ આવી ગયો કે પાટનગર કે કોઈ ક્ષેત્રમાં મોટા વિસ્ફોટની તૈયારી છે.
જો કે બોમ્બ ફેકટરી જ હતી તે નિશ્ચિત થયું. ડોકટરની તુર્તજ પુછપરછ વધારતા તેણે વધુ એક સાથી ડોકટર અદીલ રાજોરનું નામ આપ્યું જે પણ કાશ્મીરનોજ છે અને તે અનંતનાગમાં સરકારી હોસ્પીટલના એક સમયે સિનીયર ડોકટર હતો અને બાદમાં સરહાનપુર-ઉતરપ્રદેશમાં એક ખાનગી હોસ્પીટલ સાથે જોડાયો હતો અને તુર્તજ ડો.રાજોરની ધરપકડ કરવામાં આવી અને તેના અનંતનાગ આવાસમાં એક લોકરમાંથી એકે-47 રાઈફલ ઝડપાઈ હતી.
આમ પુરુ વ્હાઈટ, કોલર, ટેરર મોડયુલ ખુલી ગયું હતું અને તેમાં જેમ અન્સાર-ગઝવાત ઉલ-હીન્દનું લોજીસ્ટીક હથિયારો વિસ્ફોટકોની હેરાફેરીની ચેઈન હોવાનું ખુલ્યુ હતું અને સિનીયર અધિકારીઓએ જે રીતે ત્રાસવાદ મોડયુલ બદલ્યુ છે તે સમજતા વાર લાગી નહી. આ કોઈ કાશ્મીરના જંગલમાં ત્રાસવાદી હુમલો નહી એક અત્યંત પ્રોફેશનલ ઢબે ગોઠવાયેલી સાંકળ જેમાં ડોકટર, એન્જીનીયર, શિક્ષક વિ. તેના સામાજીક દરજજાને મુખવટો બનાવીને જોડાયા હતા.જેની ભાગ્યે જ કોઈ શંકા જાય તેવી સ્થિતિ હતી.
વાસ્તવમાં આ તમામ એક ખાસ એન્ક્રીપ્ટેડ એપ.ના સંદેશા વ્યવહારથી જોડાયેલા હતા. તેઓની પહોંચ સરહદ પાર હતી. નાણાકીય લેવડદેવડ હવાલા નેટવર્ક મારફત થતી દરેક નાના કામ માટે પેમેન્ટ નાની રકમની સાંકળ બનાવીને કરાતું હતું. તેઓના ફોન, લેપટોપ અને પર્સનલ કોમ્પ્યુટરના હવે ફોરેન્સીક ટેસ્ટ થશે.
આમ ત્રાસવાદનું આ બદલાયેલું સ્વરૂપ પણ વધુ ખતરનાક હોવાનું બહાર આવ્યુ છે. આ અંગે જમ્મુ-કાશ્મીરમાં વધુ સાતની ધરપકડ થઈ છે. જેમાં શૈક્ષણિક, સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. હવે આ વિસ્ફોટકો તૈયાર કોણ કરતુ હતુ અને ટાર્ગેટ કઈ રીતે નિશ્ચીત થતા હતા તેની તપાસ થશે.

