Una,તા.08
ગીરગઢડા તાલુકાના ઝુડવડલી ગામે રામદેવપીરનો મંડપ ખડો કરવામાં અચાનક ધરાશાયી થતા નાસભાગ મચી ગઇ હતી. જો કે સદનસીબે જાનહાની ટળી હતી. આ ધર્મ પ્રસંગે દર્શન કરવા વીસથી વધુ ગામના લોકો ઉમટયા હતા. આ દુર્ઘટનાને પગલે પોલીસ અને આયોજકોએ કોર્ડન કરી જનમેદનીને દૂર ખસેડી હતી.
આ ધર્મપ્રસંગમાં મંડપ ખડો કરવામાં વિચિત્ર સંયોગ સર્જાયો હતો. સવારે 7 વાગ્યાનું મુહૂર્ત હતું પણ મંડપ ઉભો જ ન થયો. 7-30 એ ફરી પ્રયાસ કરવામાં આવ્યો પણ સફળતા ન મળી. આ જ રીતે 8, 9 અને છેલ્લે 10 વાગ્યે ફરી મંડપ ખડો કરવા માટે પ્રયત્નો કરાયા પણ તેમાં નિષ્ફળતા જ મળી હતી.
ઝુડવડલીમાં સમસ્ત ગામ દ્વારા આજે રામદેવપીરના મંડપ ઉત્સવનું આયોજન કરાયું હતું. મંડપ ખડો થવાના દર્શનનો લાભ લેવા સ્થાનિક સહિત આસપાસના ર૦ જેટલા ગામો અને ગીરગઢડાના લોકો બહોળી સંખ્યામાં ઉમટયા હતા. સવારે મુહૂર્ત સમયમાં વિધિવત રીતે મંડપનો સ્તંભ ઉભો કરવામાં આવી રહ્યો હતો. સ્વંયસેવકો દ્વારા મંડપને ખડો કરવા માટે દોરડાથી તાણીયા ખેંચવામાં આવી રહ્યા હતા ત્યારે અચાનક જ એક તરફ સ્તંભ ઝુકી જવાથી નીચે પટકાયો હતો. મંડપ ધરાશાયી થતા સ્થળ પર એકત્રીત થયેલા લોકોમાં અફરાતફરી સાથે નાસભાગ મચી ગઈ હતી. જોકે આ દુર્ઘટનામાં સદનસીબે કોઈને જાનહાની થઈ ન હતી. પોલીસ અને આયોજકો દ્વારા સમયસુચકતા અને તકેદારીના ભાગરૂપે તાત્કાલિક કોર્ડન કરી લોકોને દૂર ખસેડાયા હતા. રામદેવપીરના મંડપના દર્શન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા પરંતુ મંડપ ખડો ન થતા દર્શન કર્યા વગર લોકોને પરત જવું પડયું હતું.