Jamnagar,તા.27
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની આજની મળેલી બેઠકમાં કુલ રૂપિયા 9 કરોડ 61 લાખના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આજે તા.27 ના મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેશ બી.કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. તેમાં કુલ 9 સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશ જાની, આસી. કમિશ્નર (વ.) મુકેશ વરણવા, ઇચા.આસી.કમિશ્નર (ટે.) જીજ્ઞેશ નિર્મલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જામનગર શહેરના વોર્ડ નં.1 થી 8 ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ (વર્ષ 2025-26) અંગે કમિશ્નરની દરખાસ્ત અન્વયે રૂા.225.35 લાખ તથા વોર્ડ નં. 9 થી 16 ના મુખ્ય તથા આંતરિક રસ્તાઓમાં આસ્ફાલ્ટ રી-કાર્પેટીંગનું કામ (વર્ષ 2025-26) અંગે રૂા.225.35 લાખ, ભુગર્ભ ગટર શાખા હસ્તક અલગ-અલગ પમ્પીંગ સ્ટેશનોમાં બિલ્ડીંગ અને સી.સી.રોડના મજબુતીકરણ કરવાના કામ અંગે રૂા.36.58 લાખ, જામનગર શહેરમાં ભુગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં. 1 થી 8માં લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભુગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાના કામ (વર્ષ 2025-26) અંગે રૂા.127.94 લાખ, શહેરમાં ભુગર્ભ ગટર શાખા હસ્તક વોર્ડ નં. 9 થી 19 લોકભાગીદારી ગ્રાન્ટ અંતર્ગત ભુગર્ભ ગટર પાઈપ લાઈન નાખવાના કામ (વર્ષ 2025-26) અંગે રૂા.127.95 લાખના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી.

