Mumbai,તા.17
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારથી શં થઈ રહેલી ત્રણ વન ડેની શ્રેણી પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન ઈજાના કારણે આખી શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે.
તેનાં સ્થાને પસંદગીકારોએ માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કર્યો છે. ગ્રીન ગ્રોઈનના સ્નાયુ ખેંચાણની ફરિયાદ કરી રહ્યો છે અને પસંદગીકારો આગામી એશિઝ શ્રેણીને ધ્યાનમાં રાખીને કોઈ જોખમ લેવા માંગતા નથી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું નિવેદન
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) એ એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, ગ્રીન થોડા સમય માટે આરામ કરશે. અને એશિઝની તૈયારીના ભાગરૂપે શેફિલ્ડ શિલ્ડના ત્રીજા રાઉન્ડમાં પરત ફરશે. વન-ડે શ્રેણીમાંથી તેને બહાર કરવો સાવચેતીનું પગલું છે. આનો અર્થ એ થયો કે, ટીમ મેનેજમેન્ટ ગ્રીન સંપૂર્ણ ફિટ થયા બાદ જ એશિઝ જેવી મહત્વની ટુર્નામેન્ટમાં તેને મેદાનમાં ઉતારવા માગે છે.
લાબુશેનના તેજસ્વી ફોર્મમાં પરત ફર્યો
ડોમેસ્ટીક ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરતાં માર્નસ લાબુશેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે તાજેતરમાં જ ક્વીન્સલેન્ડ તરફથી શેફિલ્ડ શિલ્ડમાં 159 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જે આ સિઝનમાં તેની ચોથી સદી હતી. આ પર્ફોમન્સે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું હતુ અને તેને ઓસ્ટ્રેલિયાની વન ડે ટીમમાં સીધો કોલ મળ્યો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં સતત ત્રીજો ફેરફાર
કેમરૂન ગ્રીનની ઈજા ઉપરાંત ઓસ્ટ્રેલિયાને પ્રથમ વન ડે અગાઉ ત્રણ ફરજિયાત ફેરફાર કરવા પડ્યાં છે. ઈજાના કારણે બહાર થયેલા જોશ ઈંગ્લીસના સ્થાને વિકેટકિપર જોશ ફિલિપને સામેલ કરવામાં આવ્યો છે. તે જ સમયે, એડમ ઝમ્પા અંગત કારણોસર પ્રથમ મેચ રમી શકશે નહીં, અને તેના સ્થાને મેથ્યુ કુહનેમેનને તક આપવામાં આવી છે. ફિલિપ અને કુહનેમેન રમવા માટે લગભગ નિશ્ચિત છે.
કોહલી અને રોહિત પર નજર
ભારતીય દ્રષ્ટિકોણથી આ શ્રેણી ખાસ છે કારણ કે માર્ચ બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માની આ પહેલી આંતરરાષ્ટ્રીય શ્રેણી હશે બંને લેજન્ડ્સ હવે માત્ર વન ડે ફોર્મેટમાં જ રમે છે અને આવી સ્થિતિમાં બધાની નજર તેમના પ્રદર્શન પર રહેશે.
ઓસ્ટ્રેલિયન ટીમ (પ્રથમ વન-ડે માટે)
મિશેલ માર્શ (કેપ્ટન), ઝેવિયર બાર્ટલેટ, કૂપર કોનોલી, બેન ડવાર્શુઇસ, નાથન એલિસ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મેથ્યુ કુહનેમેન, માર્નસ લાબુશેન, મિશેલ ઓવેન, જોશ ફિલિપ, મેથ્યુ રેનશો, મેથ્યુ શોર્ટ, મિચેલ સ્ટાર્ક.
બીજી વન-ડેમાં : એડમ ઝૈમ્પા, એલેક્સ કેરી, જોશ ઇંગ્લિસ