Mumbai,તા.11
દિલ્હીમાં આતંકી ષડયંત્રની ગંભીર આશંકા વચ્ચે એક ભયાનક બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. 10 નવેમ્બરની સાંજે લાલ કિલ્લાથી માત્ર 300 મીટર દૂર મેટ્રો સ્ટેશન નજીક એક કારમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેમાં શરૂઆતમાં 8 લોકોના મોત થયા હતા અને જેનો મૃત્યુઆંક આજે વધીને 13 પર પહોંચી ગયો છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. હવે આ દુ:ખદ ઘટના પર સિનેમા જગતના અનેક સ્ટાર્સે દુ:ખ વ્યક્ત કર્યું છે, આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકો અને પીડિતો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે.
સાઉથ સુપરસ્ટાર અલ્લૂ અર્જુને દિલ્હી બ્લાસ્ટની ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પોતાના X એકાઉન્ટ પર એક્ટરે લખ્યું કે, ‘દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલી દુ:ખદ ઘટનાથી હું ખૂબ જ દુ:ખી છું. મારી સંવેદના પીડિતો અને તેમના પરિવાર સાથે છે. હું કામના કરું છું કે, ફરી એક વાર શાંતિ સ્થાપિત થશે.’અભિનેતા આમિર ખાનના પ્રોડક્શન હાઉસે પણ દિલ્હી બ્લાસ્ટની ઘટના પર પોતાનું દુ:ખ વ્યક્ત કર્યું છે. પ્રોડક્શન હાઉસ તરફથી એક પોસ્ટ કરવામાં આવી છે, જેમાં લખ્યું છે કે, ‘દિલ્હી બ્લાસ્ટમાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે અમે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં અમે તેમની સાથે છીએ અને તેમના માટે પ્રાર્થના કરીએ છીએ.’

