Mumbai, તા.7
દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વધુ એક માઇલસ્ટોન હાંસલ કરતા તેનું માર્કેટ કેપ 100 અબજ ડોલરને પાર થઇ ગયું છે. સ્ટેટ બેંકે સપ્ટેમ્બર માસના જે પરિણામો જાહેર કર્યા તેમાં તેનું શ્રેષ્ઠ પ્રદર્શન બહાર આવ્યું છે અને તેના કારણે તેનું માર્કેટ કેપ 100 અબજ ડોલરના આંકડાને પાર કરી ગયું છે.
સ્ટેટ બેંકે અગાઉ જ તેના બિઝનેસને 100 લાખ કરોડ રૂપિયાનો આંકડો વટાવી દીધો હતો. સપ્ટેમ્બર 2025માં બેંકનું કુલ ધિરાણ 44.20 લાખ કરોડ રૂપિયા અને થાપણો 55.92 લાખ કરોડ રૂપિયા નોંધાઇ છે.
દેશમાં માર્કેટ કેપ મુદ્દે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 228 અબજ ડોલર સાથે પ્રથમ સ્થાને છે જ્યારે બીજા સ્થાને એચડીએફસી બેંક 170 અબજ ડોલર તેમજ ભારતી એરટેલ, ટાટા ક્નસલ્ટન્સી અને આઇસીઆઇસીઆઇ બેંક 100 અબજ ડોલરથી વધુનો માર્કેટકેપ ધરાવે છે તેમાં હવે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ સામેલ થઇ ગઇ છે.
બેંકના ચેરમેન સી.એસ.શેટ્ટીના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય કૃત બેંકોનું જે રીતે વિલીનીકરણ થઇ રહ્યું છે તેનાથી બેંકો મજબુત બની રહી છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં બેંકની શુધ્ધ આવક 3 ટકા વધીને 42,985 કરોડ નોંધાઇ છે અને તેનો નફો રૂા. 20,160 કરોડ નોંધાયો હતો. જે ગત વર્ષ કરતા 10 ટકા વધુ છે. આ ઉપરાંત યસ બેંકમાં જે શેર હોલ્ડીંગ સ્ટેટ બેંકનું હતું તે પુરેપુરૂ વહેંચીને 4593 કરોડની કમાણી કરી હતી.

