Bangalore, તા. 28
કર્ણાટકમાં આરએસએસની શાખાઓ સહિતની ગતિવિધિ પર પ્રતિબંધ મુકવાની રાજય સરકારની કોશીશને હાઇકોર્ટે આંચકો આપ્યો છે અને સંઘ કે કોઇ સંસ્થામાં સામેલ થવું અને તેની પ્રવૃતિમાં ભાગ લેવો તે મુળભુત અધિકાર હોવાનું જણાવીને કર્ણાટક હાઇકોર્ટે આ પ્રકારના પ્રતિબંધ સામે સ્ટે મુકી દીધો છે.
રાજય સરકારે અગાઉ જ સંઘની રોજબરોજની અને અન્ય ગતિવિધિ પર પ્રતિબંધ મુકવા માટે એક આદેશમાં ખાનગી સંગઠનોને સરકારી અને સાર્વજનીક સ્થાનો માર્ગ-સડકો કે અન્ય કોઇ સ્થળોએ તેમના કાર્યક્રમ આયોજીત કરવા માટે પૂર્વ મંજુરી ફરજીયાત બનાવી હતી.
ખાસ કરીને આરએસએસને ટાર્ગેટ કરવા માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવતું હતું જેની સામે એક સ્થાનિક સંગઠને હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને રાજય સરકારના આદેશને પડકાર્યો હતો. જેના પર સુનાવણી કરતા જસ્ટીસ નાગપ્રસન્નાની ખંડપીઠે સરકારના આદેશ સામે વચગાળાનો સ્ટે આપી દીધો છે.
વધુ સુનાવણી તા.17 નવેમ્બરે થશે. સરકારના આદેશ મુજબ આ પ્રકારના આયોજનમાં 10 કે તેથી વધુ લોકોને સામેલ થવાનું હોય તો તેના માટે સરકાર સમક્ષ પૂર્વ મંજૂરી જરૂરી બનાવી હતી પણ હાઇકોર્ટમાં અરજદારના ધારાશાસ્ત્રીએ જણાવ્યું કે રાજયમાં પોલીસ કાનુન લાગુ છે પછી આ પ્રકારે અલગથી મંજૂરી એ મૌલિક અધિકારનો ભંગ છે અને તે સ્વીકાર્ય બનવું જોઇએ નહીં.

