Valsad તા.25
રાજય સરકાર દ્વારા આગામી 12મી વાર્ષિક ચીંતન શિબીર વલસાડ જીલ્લાના ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં આગામી તા.27 નવેમ્બરથી ત્રણ દિવસ આયોજીત કરવામાં આવેલ છે. જેમાં રાજય સરકારના મંત્રી મંડળના મંત્રીઓ, વરિષ્ઠ સચીવો, સનંદી અધિકારીઓ ભાગ લેનાર છે. ચીંતન શિબીરમાં પહોંચવા માટે મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો અમદાવાદથી વલસાડ સુધી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરશે અને ટ્રેન મારફત જ પરત આવશે.
આ ચીંતન શિબીરમાં રાજકોટ જીલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશ, જીલ્લા વિકાસ અધિકારી સહિત રાજયના તમામ જીલ્લાઓના કલેકટરો, જીલ્લા વિકાસ અધિકારીઓ, તેમજ આઈએએસ-આઈપીએસ સહિતના સનંદી અધિકારીઓ સહભાગી થનાર છે. આ ઉચ્ચ અધિકારીઓ આવતીકાલે અમદાવાદ જવા રવાના થશે અને અમદાવાદથી ખાસ ટ્રેન મારફતે વલસાડ પહોંચી આ ત્રિદિવસીય ચીંતન શિબીરમાં હાજરી આપનાર છે.
આ વખતની આ ચીંતન શિબીરમાં સામુહિક ચીંતન, મંથન માટેના વિષયોની સૂચિ તૈયાર કરી રાજય સરકાર દ્વારા વરિષ્ઠ અધિકારીઓને મોકલી દેવામાં આવી છે. જેમાં પોષણ અને જાહેર આરોગ્ય, સેવા ક્ષેત્રની વૃધ્ધિ અને વૈવિધ્યકરણ, વિકસીત ગુજરાત માટે ક્ષમતા નિર્માણ, જાહેર સલામતી, ઉર્જા અને પર્યાવરણ સહિતના વિષયોનો સમાવેશ કરવામાં આવેલ છે.
આ શિબીર દરમ્યાન ટ્રેકીંગ, સાયકલીંગ, એડવાન્સ મેડીટેશન, યોગ, અને રાત્રીના સમયે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે.
આ શિબીરમાં ઉચ્ચ અધિકારીઓ સુદ્રઢ વહીવટ આપી શકે તે માટે તજજ્ઞો દ્વારા તેઓને માર્ગદર્શન પૂરૂ પાડવામાં આવશે. તેની સાથોસાથ વિવિધ વિષયો પર મનોમંથન કરવામાં આવનાર
છે.

