Rajkot, તા. 6
છેલ્લા કેટલાક સમયથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતના રેશનીંગના વેપારીઓમાં ગોડાઉનમાંથી દુકાન સુધી માલ ઓછો પહોંચતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આ ફરિયાદોના પગલે ગઇકાલ સાંજથી રાજયની પુરવઠા વિભાગની વિજીલન્સ ટીમો રાજ્યભરમાં ત્રાટકી છે અને ખાસ કરીને પુરવઠા નિગમના ગોડાઉનો તથા અમુક મોટી રેશનીંગની દુકાનોમાં સઘન ચકાસણી હાથ ધરી હોવાનું પુરવઠા વિભાગના ટોચના સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોકત પ્રશ્ને વેપારીના રાજય કક્ષાના સંગઠન દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ અનેક વખત ફરિયાદો કરવામાં આવી હતી. ખાસ કરીને હાલમાં દિવાળીના તહેવારોના અનુસંધાને ખાંડ, તેલ અને વધારાના અનાજનું વિતરણ શરૂ થઇ ગયું છે.
ત્યારે ગોડાઉનો તથા દુકાનોમાં કોઇ ગેરરીતિ થાય છે કે નહીં તેમજ વેપારીઓને સમયસર માલ મળી ગયો છે કે નહીં તે બાબતે પુરવઠાની વિજીલન્સ શાખાની ટીમોએ આકસ્મિક ચકાસણી રાજકોટ સહિત રાજયભરમાં હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં પુરવઠા વિભાગના ટોચના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પુરવઠાની વિજીલન્સે કુલ 8 ટીમોને સમગ્ર રાજ્યમાં દોડાવી છે. સૌરાષ્ટ્રમાં રાજકોટ-મોરબી, સુરેન્દ્રનગર, જામનગર તથા દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે. આ ઉપરાંત ભાવનગર, બોટાદ અને અમરેલીમાં પણ વિજીલન્સ દ્વારા તપાસણી હાથ ધરાઇ છે.
વધુમાં પ્રાપ્ત વિગતો મુજબ પુરવઠાની વિજીલન્સ ટીમો કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ (ગ્રામ્ય) તેમજ છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ભરૂચ, દાહોદ, સુરત, નવસારી, ડાંગ તથા વલસાડ અને ખેડા, આણંદ, વડોદરા, મહિસાગર તેમજ પંચમહાલ જિલ્લામાં પણ પહોંચી છે અને પુરવઠાના નિગમના ગોડાઉનો તથા રેશનીંગની દુકાનોમાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.