New Delhi, તા. 7
ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ વોર વકરવા લાગતા શેરબજારમાં અસર દેખાવી શરૂ થઇ ગઇ હોય તેમ આજે પ્રારંભિક કામકાજમાં સેન્સેકસમાં 450 પોઇન્ટથી વધુનું ગાબડુ પડયું હતું. બીજી તરફ સોના-ચાંદીમાં તેજી થઇ હતી જયારે આશ્ચર્યજનક રીતે કરન્સી માર્કેટ ખાસ કોઇ ઇફેકટ આવી ન હોય તેમ ડોલર સામે રૂપિયો મજબુત થયો હતો.
ભારત અને અમેરિકા વચ્ચે ઘણા વખતથી ટેરિફ મડાગાંઠ ચાલી જ રહી છે. તેવા સમયે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 25 ટકા ઉપરાંત વધારાની 25 ટકા ટેરિફ લાદવાનું એલાન કરતા બંને દેશો વચ્ચેની વોર વકરવાની ભીતિ વ્યકત થવા લાગી હતી.
આ સ્થિતિના ગભરાટ હેઠળ ભારતીય શેરબજારમાં આજે મંદીનો આંચકો અનુભવાયો હતો. હેવી વેઇટથી માંડી મીડકેપ, સ્મોલકેપ સહિત મોટા ભાગના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો.
વિદેશી નાણા સંસ્થાઓની એકધારી વેચવાલીનો પણ ગભરાટ પ્રર્વતતો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ટેરિફ વોરનું કોઇ નિરાકરણ ન થાય ત્યાં સુધી માર્કેટમાં મંદી કે અશ્ચિતતાનો માહોલ યથાવત રહેવાની શકયતા છે.
મુંબઇ શેરબજારમાં સેન્સેકસ 478 પોઇન્ટના ગાબડાથી 80065 સાંપડયો હતો. જે ઉંચામાં 80421 તથા નીચામાં 80052 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 151 પોઇન્ટ ગગડીને 24420 હતો જે ઉંચામાં 24542 તથા નીચામાં 24416 હતો.
મુખ્ય શેરોમાં ફોર્ટીસ હેલ્થ, યુપીન જેવા કેટલાક શેરો મજબુત હોવાની સામે હેલ, ક્ધટેનર કોર્પોરેશન, જિંદાલ સ્ટીલ, ભારત ફોર્જ, કોટક બેંક, ટ્રેન્ટ, વોડાફોન, યશ બેંક વગેરેમાં ઘટાડો નોંધાયો હતો.
બીજી તરફ સોના-ચાંદીમાં તેજી થઇ હતી. કોમોડીટી એકસચેંજમાં સોનુ 160 રૂપિયા ઉંચકાઇને 101425 હતું ચાંદી 700 રૂપિયાના ઉછાળાથી 114350 હતી. ડોલર સામે ભારતીય રૂપિયા 4 પૈસા મજબુત થઇને 87.70 હતો.