Mumbai, તા.6
મુંબઇ શેરબજારમાં આજે મંદીનો માહોલ રહ્યો હતો. હેવીવેઇટની સાથોસાથ રોકડાના શેરોમાં આક્રમક વેચવાલીથી સેન્સેક્સમાં 360 પોઇન્ટનો ઘટાડો હતો. શેરબજારમાં આજે માનસ સાવચેતીનું હતું. ટ્રેડવોરનો ભય, અમેરિકાના નવા-નવા પગલા વિદેશી નાણાં સંસ્થાઓની વેચવાલી સહિતના કારણોની વિપરીત અસર હતી.
રીઝર્વ બેંકની ધિરાણ નીતિ તથા નવા ઇન્કમટેક્સ વિધેયક પર મીટ માંડવામાં આવતી હતી. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે વૈશ્ર્વિક ઘટનાક્રમોના પ્રભાવ હેઠળ ટુંકાગાળા માટે માર્કેટ અનિશ્ર્ચિત જ બની રહેવાની સંભાવના છે.
શેરબજારમાં આજે સીપ્લા, અદાણી પોર્ટ, ભારત પેટ્રોલીયમ, ઇન્ડુસઇન્ડ બેંક, ઇન્ફોસીસ, કોટક બેંક, એક્સીસ બેંક, બજાજ ફાઇનાન્સ, આઇસીઆઇસીઆઇ બેંક વગેરેમાં સુધારો હતો. લાર્સન, મહિન્દ્ર, મારુતી, એનટીપીસી, પાવર ગ્રીડ, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, ટીસીએસ, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલ જેવા શેરોમાં ઘટાડો હતો.
મુંબઇ શેરબજારનો સેન્સીટીવ ઇન્ડેક્સ 350 પોઇન્ટના ગાબડાથી 77910 હતો તે ઉંચામાં 78551 તથા નીચામાં 77843 થયો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફટી 118 પોઇન્ટ ઘટીને 23578 હતો તે ઉંચામાં 23773 તથા નીચામાં 23556 હતો.
બીજી તરફ સોના-ચાંદીમાં એકધારી તેજીને બ્રેક લાગી હતી. સોનુ 50 રુપિયા ઘટીને 87150 હતું. ચાંદીમાં 1200નો ઘટાડો હતો અને ભાવ 97400 હતો. દરમ્યાન કરન્સી માર્કેટમાં રૂપિયો સતત તૂટતો રહ્યો હતો. આજે 9 પૈસાના ઘટાડાથી 87.56 સાંપડ્યો હતો.