Prabhas Patan,તા.11
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આજે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે દબાણો વિરુદ્ધ ફરી એકવાર લાલ આંખ કરીને મેગા ડીમોલેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સરકારી જમીન પર લાંબા સમયથી ઉભા થયેલા દબાણોને દૂર કરવા માટે તંત્રએ ભારે મશીનરી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી.
આ સમગ્ર કામગીરી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉપાધ્યાયના સીધા માર્ગદર્શન હેઠળ વેરાવળ મામલતદારની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હતી. તંત્રએ પ્રભાસ પાટણના સર્વે નંબર 831 પૈકી 1ની સરકારી જમીન પરના દબાણોને નિશાન બનાવ્યા હતા.
રહેણાક, વાણિજ્ય અને ધાર્મિક દબાણો હટાવાયા આ મેગા ઓપરેશન દરમિયાન, તંત્રએ કુલ 11 જેટલા ગેરકાયદે બાંધકામોને જમીનદોસ્ત કર્યા હતા. આ દબાણોમાં રહેણાક મકાનો, વાણિજ્ય હેતુસર ચાલતી દુકાનો તેમજ એક ધાર્મિક સ્થાનનો પણ સમાવેશ થતો હતો. આ કાર્યવાહી માટે 7 JCB મશીન, 10 ટ્રેક્ટર સહિતની ભારે મશીનરીનો કાફલો કામે લગાડવામાં આવ્યો હતો.
GSRTCની 1300 ચો.મી. જમીન દબાણમુક્ત તંત્રની આ કાર્યવાહીનું મુખ્ય પરિણામ એ આવ્યું કે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમને ફાળવવામાં આવેલી વધારાની 1300 ચોરસ મીટર જમીન સંપૂર્ણપણે દબાણમુક્ત થઈ હતી. આ જમીન ખુલ્લી થવાથી હવે સરકારી તંત્રની ભાવિ યોજનાઓ માટેનો માર્ગ મોકળો થયો છે.
સ્થળ પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ડીમોલેશનની કાર્યવાહી દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય પરિસ્થિતિ કે વિરોધ ન સર્જાય તે માટે તંત્ર દ્વારા અભૂતપૂર્વ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સ્થળ પર 1 ડીવાયએસપી (DySP), 2 પી.આઈ. (PI), 4 પી.એસ.આઈ. (PSI) ઉપરાંત 82 પોલીસજવાન તહેનાત હતા. આ સાથે 10 ટીઆરબી (TRB) જવાનો અને LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) તેમજ SOG (સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ)ની ટુકડીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
“રાજકીય દખલ ચલાવી લેવાશે નહીં” તંત્ર વેરાવળ મામલતદાર કચેરીના અધિકારીઓએ આ કાર્યવાહી અંગે સ્પષ્ટ વલણ અપનાવતા જણાવ્યું હતું કે, સરકારી જમીન પર ગેરકાયદે દબાણો સામે તંત્રની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. આ મામલે કોઈપણ પ્રકારની દબાણ નીતિ કે રાજકીય દખલને સ્થાન આપવામાં આવશે નહીં.
સોમનાથ ખાતે હાઈવે રોડ ની બાજુમાં આવેલ સાઈન સોસાયટી મા સવાર થી ડિમોલેશન ની કામગીરી શરૂ હતી અને શાન્તી થી કામગીરી થય રહેલ હતી પરંતુ સાંજ ના 6 કલાકે ટોળા દ્વારા પથ્થરમારો કરવામાં આવેલ હતો જેમા પ્રભાસપાટણ પી આઈ પટેલ અને પો કોન્સ્ટેબલ કુલદિપ સિંહ ને પથ્થર નો ધા પડખાં મા અને સાથળ ના ભાગે ઈજા થતાં પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્ર મા સારવાર લીધેલ હતી અને પોલીસ ના જણાવ્યા પ્રમાણે આ બનાવ ની પોલીસ કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે
સુત્રોના જણાવ્યા મુજબ ટોળાને વિખેરવા પોલીસે હળવા બળપ્રયોગ સાથે ટીયર ગેસના સેલ છોડી ટોળાને વિખેયું હતું.એસ.ટી. નિગમને ફાળવવામાં આવેલી જમીન દબાણ મુકત થતા હવે આ સ્થળે એસ.ટી.ડેપોનું નવુ બસ અદ્યતન બસ પોર્ટ બનાવવા માર્ગ મોકળો થયો છે.

