Rajkot,તા.28
રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે આજે મળેલી નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં શાળા-કોલેજોની આસપાસ તમાકુ-સિગારેટ અને ડ્રગ્સનું વેંચાણ રોકવા માટે કલેકટર પ્રભવ જોશી દ્વારા આદેશ કરાયો હતો.
તેની સાથોસાથ ડ્રગ્સના દુષણને નાથવા યુવાનો પણ જાગૃતિ કેળવવા પર ભાર મૂકાયો હતો.આ સાથે જાગૃતિ ઝુંબેશ વધારવા પણ તાકીદ કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શાળા-કોલેજ નજીક તમાકુ, સિગારેટ કે ડ્રગ્સનું વેચાણ ન જ થવું જોઈએ. તેમણે આવા વિતરકો પર દરોડા વધારવા સૂચના આપી હતી. ડ્રગ્સના દૂષણને સમાજમાંથી નાબૂદ કરવા સરકારશ્રી પણ ખાસ ભાર મુકી રહી છે, ત્યારે લોકોમાં તેમજ યુવાનોમાં વધુ જાગૃતિ લાવવા માટે નશાબંધી ખાતાને જનજાગૃતિ ઝુંબેશનું પ્રમાણ વધારવા તેમણે જણાવ્યું હતું.
એટલું જ નહીં, સરકારી કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં તમામ સમાજના લોકો જોડાતા હોય છે, ત્યારે આવા કાર્યક્રમોમાં પણ નશો-ડ્રગ્સથી દૂર રહેવાના શપથ લેવડાવવા પણ પ્રાંત અધિકારીશ્રીઓને નિર્દેશ અપાયા હતા.
રાજકોટ જિલ્લામાં છુપાઈને થતું ગાંજાનું વાવેતર શોધી કાઢવા માટે કલેક્ટરએ પાકના સર્વે વખતે સઘન અવલોકન કરવા તેમજ ડેમો આસપાસની ખાલી જગ્યામાં પણ સર્વે કરવા ખેતીવાડી ખાતાને સૂચના આપી હતી. કલેકટરએ મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વિના વેચાતા નશીલા સીરપના વેચાણ પર સઘન નિરીક્ષણ રાખી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપી હતી.
પોલીસ અધિક્ષક હિમકર સિંહે જણાવ્યું હતું કે, ડેમો આસપાસ પાણી ઉતરે, પછી ખાલી જગ્યામાં અમુક તત્ત્વો છુપાઈને ગાંજાનું વાવેતર કરી લેતા હોય છે. આથી તેમણે આવી જગ્યાઓ પર સર્વે જરૂરી ગણાવ્યો હતો. આ સાથે ગાંજાનું વાવેતર શોધી કાઢવા ડ્રોનના ઉપયોગનો અનુરોધ પણ તેમણે કર્યો હતો.
રાજ્ય સરકાર ડ્રગ્સના દુષણને ડામી દેવા સતત પ્રયત્નશીલ છે, ત્યારે રાજકોટ શહેર તેમજ જિલ્લામાં ડ્રગ્સ વિરોધી પ્રવૃત્તિ કરતા લોકો વિરુદ્ધ કડકાઈથી કામગીરી કરવા, પોલીસ તેમજ એસ.ઓ.જી.વિભાગ કટિબદ્ધ છે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, રાજકોટ ઝોન-2 ડી.સી.પી. જગદીશ બંગરવા, નિવાસી અધિક કલેક્ટર એ.કે. ગૌતમ, આસિસ્ટન્ટ કલેકટર મહેક જૈન, પ્રાંત અધિકારી સર્વે ચાંદની પરમાર, વિમલ ચક્રવર્તી, આર.આર. ખાંભરા, રાહુલ ગમારા, નાગાજણ તરખલા,પ્રિયંક ગલચર, એસ.ઓ.જી.ના અધિકારીઓ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ, ફોરેન્સિક વિભાગ વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.