Ahmedabad,તા.7
અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટ કેમ્પસમાં રખડતા શ્વાનનો ત્રાસ ચિંતાજનક હદે વધી રહ્યો છે, જેના પગલે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHAA) દ્વારા કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝાએ મુખ્ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલને પત્ર લખીને આ ગંભીર પરિસ્થિતિ તરફ ધ્યાન દોર્યું છે.
પત્રમાં જણાવ્યા અનુસાર, હાઈકોર્ટ સંકુલમાં રખડતા શ્વાનોના કારણે વકીલો, પક્ષકારો અને સ્ટાફની સુરક્ષા જોખમમાં મુકાઈ છે. હાલમાં જ 5 જાન્યુઆરી 2026ના રોજ એડવોકેટ રાધેશ વ્યાસ શ્વાન કરડવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા, જ્યાં તેમને આઠ ઈન્જેક્શન આપવા પડ્યા અને ટાંકા પણ લેવા પડ્યા હતા. આ સિવાય ડિસેમ્બર મહિનામાં પણ પક્ષકારોને શ્વાન કરડવાના અંદાજે 4 થી 5 બનાવો નોંધાયા છે.
વકીલોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે અનેક વકીલોએ શ્વાનોના હુમલામાંથી માંડ બચ્યા હોવાની ફરિયાદો કરી છે. એક એડવોકેટને તો ચેમ્બર બિલ્ડિંગમાં જ ચાર શ્વાનોએ ઘેરી લીધા હોવાની ઘટના પણ સામે આવી છે. પ્રમુખ યતિન ઓઝાએ પોતે પણ મુખ્ય ન્યાયાધીશની કોર્ટના ખુલ્લા વિસ્તારમાં શ્વાનોને મુક્તપણે ફરતા જોયા હોવાનો ઉલ્લેખ પત્રમાં કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ 10 નવેમ્બર 2025ના રોજ પણ તત્કાલીન પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી દ્વારા રજિસ્ટ્રાર જનરલને પત્ર લખી સુપ્રીમ કોર્ટના આદેશનો હવાલો આપી શ્વાનોને શેલ્ટર હોમમાં ખસેડવા વિનંતી કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે 7 નવેમ્બર 2025ના રોજ ‘City Hounded by Strays, Kids Pay Price’ કેસમાં જાહેર સ્થળોએથી રખડતા શ્વાનોને હટાવવા નિર્દેશ આપ્યો હતો. જોકે, પરિસ્થિતિ કાબૂ બહાર જતાં હવે એસોસિએશને તત્કાળ અસરથી કેમ્પસ ડાયરેક્ટરને સૂચના આપીને શ્વાનોને હાઈકોર્ટ સંકુલમાંથી હટાવવા માટે આગ્રહ કર્યો છે.

