Vadodara,તા.02
ગુજરાત સરકારે સ્ટ્રીટ વેન્ડર્સ એકટ વર્ષ-2014માં બનાવ્યો પરંતુ સ્ટ્રીટ વેન્ડર્સ એકટ પ્રમાણે લારી-ગલ્લા માટે હોકિંગ ઝોનના પ્લોટો ફાળવવાનો મુદ્દો 11 વર્ષથી અધ્ધરતાલ છે. આજદિન સુધી સ્ટ્રીટ વેન્ડર્સ એકટનો અમલ કરવામાં સરકાર નિષ્ફળ ગઇ છે.
ગુજરાતમાં લારી-ગલ્લાનો પ્રશ્ન, વિકટ બન્યો છે. જેને કારણે અવારનવાર વાહન પાર્કિંગ કરનારા અને લારી ચલાવનારા વચ્ચે રકઝક થતી રહે છે. કેટલીક વાર તો આ રકઝક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. ગુજરાતમાં વર્ષો પૂર્વે લારી-ગલ્લાના લાઇસન્સ આપવામાં આવતા હતા ત્યારે હજારોની સંખ્યામાં લારી-ગલ્લા હતા. રોજગારીનો પ્રશ્ન પણ ઉભો થતાં લારી-ગલ્લાનો પ્રશ્ન આર્થિક અને સામાજિક સમસ્યા બની ગઇ છે. રાજ્ય સરકારની સૂચના પ્રમાણે વર્ષ-2009માં સ્ટ્રીટ વેન્ડર્સ પોલિસી તૈયાર કરવામાં આવી હતી. તેમ છતાં તેનો અમલ થયો નહીં. જેને કારણે ગુજરાતમાં લારી-ગલ્લા અને પથારાની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે. કોર્પોરેશનો અને નગરપાલિકાઓ દ્વારા લારી-ગલ્લા હટાવવાની ઝુંબેશ રોજબરોજ કરવામાં આવે છે પરંતુ લારી-ગલ્લાવાળા સાથે રાજકારણીઓ પણ સંકળાયેલા હોય છે. એટલું જ નહીં પોલીસ અને કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓનું હપ્તાનું રાજકારણ ચાલતું હોવાથી તાત્કાલિક લારી-ગલ્લા પેનલ્ટી લઈને છોડી દેવાની ફરજ પડે છે. કોર્પોરેશનો દ્વારા વર્ષ-2009માં સ્ટ્રીટ વેન્ડર પોલિસી બનાવવામાં આવી હતી. જેનો અમલ આજ દિન સુધી થયો નથી. વર્ષ-2014માં રાજ્ય સરકાર દ્વારા સ્ટ્રીટ વેન્ડર્સ એકટ બનાવી તેનો અમલ કરવાનું નક્કી કર્યું અને રાજ્ય સરકારે લાઇવલી હુડ મિશન દ્વારા વર્ષ-2016-17માં સ્ટ્રીટ વેન્ડર્સનો સર્વે કરવામાં આવ્યો હતો. દરમ્યાનમાં જાણવા મળતી માહિતી પ્રમાણે હવે એકટ અને પોલિસી પ્રમાણે સ્ટ્રીટ વેન્ડર્સ માટે ગુજરાતની કોર્પોરેશનો અને નગર પાલિકાઓમાં હોકિંગ ઝોનના પ્લોટો ફાળવવાના હોવાથી હવે કરોડો રૂપિયાની જમીનો હોકિંગ વેન્ડર્સને ફાળવવાનો મુદ્દો સરકાર માટે માથાનો દુખાવો બન્યો છે. સરકાર કરોડો રૂપિયાની જમીન સ્ટ્રીટ વેન્ડર્સ માટે ફાળવે તો નુકસાન થાય તેવી પરિસ્થિતિ હોવાથી રાજ્ય સરકાર સ્ટ્રીટ વેન્ડર્સ એકટનો અમલ કરતી નથી તેમ જાણવા મળે છે.