Mumbai,તા.28
તાજેતરમાં સમાપ્ત થયેલાં આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સેમીફાઈનલ અને ફાઈનલમાં 250 થી વધુ રન ફટકાર્યા હતા. આવું એટલા માટે થયું કારણ કે ભારતીય બેટ્સમેનોએ તેમના સ્ટ્રાઈક રેટમાં સુધારો કર્યો અને દરેક બોલનું મહત્વ સમજીને તોફાની બેટિંગ કરી હતી.
28 માર્ચથી શરૂ થવા જઈ રહેલા આઈપીએલ-2026 માં પણ વિશ્વભરના ચાહકોની નજર બેટ્સમેનો પર રહેશે. તેમને આશા છે કે આ વખતે અલગ પ્રકારની આક્રમક બેટિંગ જોવા મળશે.
પરંતુ શું તમે જાણો છો કે આઈપીએલ ઈતિહાસમાં ભારતીય નહીં પણ વિદેશી ખેલાડીઓનો ડંકો વાગે છે? આ જ કારણ છે કે શરૂઆતના પાંચ સૌથી ઝડપી સ્ટ્રાઈક રેટ ધરાવતા બેટ્સમેનોમાં કોઈ ભારતીય સામેલ નથી.
વિરાટ, રોહિત, ધોની જેવા દિગ્ગજો પાછળ કેમ?
ખાસ વાત એ છે કે આઈપીએલમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને એમએસ ધોની સહિત ઘણાં ભારતીય ખેલાડીઓએ અત્યાર સુધી હજારો રન બનાવ્યા છે, પરંતુ જ્યારે વાત સ્ટ્રાઈક રેટની આવે છે ત્યારે તેઓ પાછળ રહી જાય છે.
શું હોય છે સ્ટ્રાઈક રેટ?
સ્ટ્રાઈક રેટનો અર્થ થાય છે પ્રતિ બોલ પર બનાવેલા રન. ઉદાહરણ તરીકે, સૌથી વધુ સ્ટ્રાઈક રેટ ધરાવતાં ફિલ સોલ્ટે 601 બોલમાં 1056 રન ફટકાર્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 175.70 છે. બીજી તરફ, આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલીનો સ્ટ્રાઈક રેટ માત્ર 132.85 નો છે. તેણે RCB માટે રમતા 6519 બોલમાં 8661 રન બનાવ્યાં છે.
સનરાઈઝર્સ હૈદરાબાદના બેટર્સ સૌથી વિસ્ફોટક
આઈપીએલ ઈતિહાસનાં ત્રણ સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંથી બે સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમે છે. એક નજર તે ત્રણ બેટર્સ પર, જેમનો સ્ટ્રાઈક રેટ સૌથી વધુ છે. જેમાં ટ્રેવિસ હેડ, હેનરિક ક્લાસેન અને ફિલ સોલ્ટ સામેલ છે.
– ટ્રેવિસ હેડ, ઓપનર, ટીમ : સનરાઈઝર્સ હૈદરાબાદ
38 મેચ કુલ રમ્યાં, 1146 રન બનાવ્યાં, 01 સદી અને આઠ અડધી સદી ફટકારી, 170.02 સ્ટ્રાઈક રેટ.
– ફિલ સોલ્ટ, ઓપનર, ટીમ : RCB
34 મેચ IPL માં રમ્યાં, 1056 રન બનાવ્યાં, 10 અડધી સદી ફટકારી, 175.7 સ્ટ્રાઈક રેટ.
હેનરિક ક્લાસેન, ઓપનર (વિકેટકીપર), ટીમ : સનરાઈઝર્સ હૈદરાબાદ
49 મેચોમાં કુલ 1480 રન ફટકાર્યા, 02 સદી અને 7 અડધી સદી ફટકારી, 169.72 સ્ટ્રાઈક રેટ.
વર્તમાન ભારતીય બેટર્સમાં આ ત્રણ સૌથી આગળ
– અભિષેક શર્મા : ઓપનર, ટીમ : સનરાઈઝર્સ હૈદરાબાદ – 163.01 સ્ટ્રાઈક રેટ, 77 મેચ રમ્યાં, 1816 રન બનાવ્યાં, 01 સદી અને 9 અડધી સદી ફટકારી.
– જિતેશ શર્મા : મધ્યક્રમ, ટીમ : પંજાબ કિંગ્સ – 157.05 સ્ટ્રાઈક રેટ, 55 મેચ રમ્યાં અને 991 રન ફટકાર્યા, 01 અડધી સદી ફટકારી છે.
રજત પાટીદાર : મધ્યક્રમ, ટીમ : RCB – 154.30 સ્ટ્રાઈક રેટ, 42 મેચ રમ્યા, 1111 રન બનાવ્યા, 01 સદી અને 9 અડધી સદી ફટકારી છે.
આ વખતે ઉદઘાટન સમારોહ નહીં યોજાય
બીસીસીઆઈએ સ્પષ્ટ કરી દીધું છે કે 28 માર્ચના રોજ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આઈપીએલનો કોઈ ઉદઘાટન સમારોહ યોજાશે નહીં. ખરેખર, ગત સીઝનમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના આઈપીએલ ખિતાબ જીત્યાં બાદ અહીં એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર થયેલી નાસભાગમાં 11 લોકોનાં જીવ ગયા હતા. તેથી બોર્ડે આ વખતે સમારોહ રદ કરવાનો નિર્ણય લીધો છે.

