Pakistan,તા.21
પાકિસ્તાનમાં શુક્રવારે (21મી નવેમ્બર) વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.2 મેગ્નિટ્યુડ માપવામાં આવી હતી. ભૂકંપના આંચકાની અસર પાકિસ્તાન ઉપરાંત અફઘાનિસ્તાનમાં પણ અનુભવાઈ હતી.NCS દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પાકિસ્તાનમાં આવેલો ભૂકંપ વધુ શક્તિશાળી હતો. પહેલો ભૂકંપ સવારે 1:59 વાગ્યે અફઘાનિસ્તાનમાં 190 કિ.મી.ની ઊંડાઈએ નોંધાયો હતો. બીજો ભૂકંપ પાકિસ્તાનમાં સવારે 3:09 વાગ્યે આવ્યો, જેની તીવ્રતા 5.2 માપવામાં આવી હતી અને તેનું કેન્દ્ર 135 કિ.મી.ની ઊંડાઈએ હતું. હાલમાં આ ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકસાનના અહેવાલો નથી.
ભૂકંપશાસ્ત્રીના જણાવ્યાનુસાર, ભૂકંપની ઊંડાઈ તેનું જોખમ નક્કી કરે છે. છીછરા (Shallow) ભૂકંપ ઊંડા (Deep) ભૂકંપો કરતાં વધુ ખતરનાક હોય છે, કારણ કે ભૂકંપના તરંગો સપાટી પર ઝડપથી પહોંચે છે, જેનાથી જમીન વધુ ધ્રુજારી અનુભવે છે અને ઇમારતોને વધુ નુકસાન થઈ શકે છે.અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઉત્તર ભારતનો પ્રદેશ પૃથ્વી પરના સૌથી વધુ ભૂકંપીય રીતે સક્રિય ક્ષેત્રોમાંનો એક છે. આ વિસ્તારમાં ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટો અથડાય છે, જેના કારણે મધ્યમ અને ગંભીર બંને પ્રકારના ભૂકંપનું જોખમ સતત રહે છે.

