Gandhinagar,તા.31
રાજયમાં અંગ્રેજી વિષયના શિક્ષણ સહાયકની ભરતીમાં મહિલા ઉમેદવારનું નામ જનરલ મેરિટ લીસ્ટમાં આવ્યા છતાં તેની અરજી નામંજૂર કરાતાં નારાજ ઉમેદવાર તરફથી ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે. અરજીમાં એવો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરાયો છે કે, તેણે એક જ વર્ષમાં બીએ(રેગ્યુલર) અને એમએ (ડિસ્ટન્સ લર્નીંગ એજ્યુકેશન)ની ડિગ્રી મેળવી હોવાથી યુજીસીની ગાઇડલાઈન્સના આધારે શિક્ષણ સત્તાવાળાઓ દ્વારા તેની અરજી નામંજૂર કરવામાં આવી છે.
જસ્ટિસ જે.એલ.ઓડેદરાએ આ મુદ્દો શૈક્ષણિક નીતિને લગતો હોવાથી મેટર ગંભીરતાથી લઈ કેસમાં રાજય સરકાર સહિતના પક્ષોને નોટિસ ફટકારી છે.
અરજદાર મહિલા ઉમેદવાર તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, રાજય સરકારના શિક્ષણ સત્તાવાળાઓ દ્વારા ગયા વર્ષે રાજયભરમાં વિવિધ વિષયોના શિક્ષણ સહાયકની ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી.
જેમાં અરજદારને પણ એપ્લાય કર્યું હતું. બાદમાં ટેટની એક્ઝામના આધારે મેરિટ લીસ્ટ બન્યુ હતું, જેમાં અરજદારનું નામ જનરલ મેરિટ લીસ્ટમાં સમાવિષ્ટ કરાયું હતું. જેને પગલે તેમને ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન માટે બોલાવાયા હતા. જે દરમિયાન તેમણે બીએ અને એમએની ડિગ્રી એક સાથે અભ્યાસ કરી એક જ વર્ષમાં મેળવી હોવાના કારણસર તેમની અરજી નામંજૂર કરાઈ હતી. આ માટે સત્તાવાળાઓએ યુજીસીની ગાઈડલાઈન્સનો આધાર લીધો હતો.
ડબલ ડિગ્રી મુદ્દે યુજીસીની ગાઇડલાઇન્સ અંગેનું જાહેરનામું 2022 માં જાહેર કરાયું છે અને અરજદારનો અભ્યાસ-ડિગ્રી 2015 થી 2017 દરમ્યાનના છે, 2017 માં ડિગ્રી મેળવી છે, યુજીસીની ગાઇડલાઇન્સ તે જારી થઈ ત્યારપછીથી લાગુ પડી શકે. વળી, યુજીસીની કમીટીએ જેણે આ નિર્ણય કર્યો છે, તે કમીટીએ પણ એક જ વર્ષમાં એકસાથે બે ડિગ્રી મેળવી હોય તો તેવા વિદ્યાર્થી ઉમેદવારી ના કરી શકે તેવું પશ્ચાદવર્તી અસરથી લાગુ પડશે એવું ક્યાંય કીધુ નથી.