શાળાના સીસીટીવી ફૂટેજના આધારે તપાસના ચક્રો ગતિમાન કરતી એ ડિવિઝન પોલીસ
Rajkot,તા.10
શહેરના ત્રિકોણ બાગ નજીક આવેલી જી ટી ગર્લ્સ સ્કૂલની ઓફિસમાંથી વિદ્યાર્થીનીનો મોબાઈલ ગઠિયો ઉઠાવી ગયાનો બનાવ સામે આવ્યો છે. અભ્યાસની કલાકોમાં મોબાઈલ ઓફિસમાં જમા કરાવ્યા બાદ ધોરણ-9ની વિદ્યાર્થીની પરત લેવા આવી ત્યારે મોબાઈલ મળી આવ્યો ન હતો. મામલામાં એ ડિવિઝન પોલીસમાં મોબાઈલ ચોરીનો ગુનો નોંધાયો છે.
રાજકોટ તાલુકાના ગુંદા ગામે રહેતા 42 વર્ષીય યુવાન રસિકભાઈ કાનાભાઈ ચાવડાએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પરીવારમાં મારા પત્ની વિજ્યાબેન, બે દીકરી અને એક દીકરો છે. જેમાંથી સૌથી મોટી દીકરી રીધ્ધી ઉ.વ.૧૭ જે રાજકોટ ખાતે ધોરણ-૧૨ માં અભ્યાસ કરે છે અને તેનાથી નાની દીકરી ઉર્વી જે ધોરણ-૯માં જી.ટી.ગર્લ્સ સ્કુલ- ત્રીકોણભાગ ખાતે અભ્યાસ કરે છે. વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, ગઇ તારીખ-૨૬/૦૩/૨૦૨૫ ના રોજ સવારના આશરે સાત વાગ્યે મારી દીકરી ઉર્વી જી.ટી. ગર્લ્સ સ્કુલ ખાતે ગયેલ હતી. ત્યારે તેની પાસે રહેલ ઓપ્પો કે12 એક્સ મોબાઈલ જેની કિંમત રૂ.13 હજાર સ્કુલની ઓફીસમાં જમા કરાવેલ હતો. બાદ બપોરના એક વાગ્યે સ્કુલથી રજા પડતા તેણે રાખેલ મોબાઇલ લેવા જતાં સ્કુલની ઓફીસમાંથી મોબાઈલ મળી આવ્યો ન હતો. બાદ દીકરીએ આજુબાજુમાં તથા સ્કુલમાં મોબાઇલ ફોનની તપાસ કરી હતી છતાં પણ મોબાઈલ મળી આવેલ ન હતો. જે મામલે પુત્રીએ પિતાને જાણ કરતા તેમણે એ ડિવિઝન પોલીસ મથકમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. મામલામાં પોલીસે શાળાના સીસીટીવી મારફતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.