નેહલનો દાવો હતો કે સુભાષ ઘાઈએ તેની સાથે ગેરવર્તણૂક કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને બળજબરીથી કિસ કરી હતી
Mumbai, તા.૩૦
‘ગંદી બાત’ અને ‘જૂલી’ જેવી એડલ્ટ સિરીઝમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી નેહલ વાઢોલિયાએ તાજેતરમાં ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઈ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. નેહલનો દાવો હતો કે સુભાષ ઘાઈએ તેની સાથે ગેરવર્તણૂક કરવાનો પ્રયાસ કર્યો હતો અને તેને બળજબરીથી કિસ કરી હતી. આ આરોપો પર હવે સુભાષ ઘાઈએ કોઈનું નામ લીધા વિના જવાબ આપ્યો છે. તેમણે એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે નવા લોકોને મળવું ડરામણું લાગે છે.સુભાષ ઘાઈએ નેહલના આરોપો પર પોતાની ચૂપી તોડી છે. પોતાના પર લાગેલા આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવતા, તેમણે પોતાના લાંબા કરિયર પર દાગ લાગવાના ડરને પણ વ્યક્ત કર્યો છે.સુભાષ ઘાઈએ તેમના ઘરના બગીચાની તસવીર શેર કરીને કૅપ્શનમાં લખ્યું કે, ‘જો કોઈ યુવાન મદદ માટે તમારી પાસે આવે, તો એક સિનિયર એક્સપર્ટની ફરજ છે કે તે તેને તેના પ્રોફેશનમાં આગળ વધવામાં મદદ કરે અને માર્ગદર્શન આપે. પરંતુ આજકાલ અજાણ્યા લોકોને મળવું ડરામણું લાગે છે. તેઓ પ્રમોશન માટે સોશિયલ મીડિયા સાચા કે ખોટા નિવેદનો આપીને દેખાવા માંગે છે. જેવું કે હું આજકાલ સાંભળી રહ્યો છું, ભગવાન તેમનું ભલું કરે. એક સન્માનજનક કારકિર્દી બનાવવા માટે પરસ્પર આદર સૌથી વધુ જરૂરી છે.’તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં નેહલે સુભાષ ઘાઈના મેનેજરને ડેટ કરવા અને ઘાઈ સાથે થયેલી અભદ્ર મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો. આ અંગે નેહલે કહ્યું હતું કે, ‘ડેટિંગના થોડા દિવસોમાં જ તેણે (મેનેજરે) મને કહ્યું કે હું તને સુભાષ ઘાઈના ઘરે લઈ જઈ રહ્યો છું. ત્યારે અમે એક અલગ રૂમમાં ડ્રીંક્સ લઈ રહ્યા હતા, જ્યાં બધા લોકો પાર્ટી કરતા હતા. ત્યારે સુભાષ ઘાઈએ મને કહ્યું કે ચાલ, હું તને મારી બાલ્કની બતાવું કે ત્યાંથી શહેર કેવું દેખાય છે.’નેહલે આ અંગે વધુ વાત કરતા કહ્યું કે, ‘હું બાલ્કનીમાંથી બહાર જોઈ રહી હતી અને તેઓ મને એકદમ નજીકથી ઘૂરી રહ્યા હતા. પછી બોલે છે કે તને ખબર છે, તારું હાસ્ય ખૂબ જ સુંદર છે. તું બોલિવૂડમાં ઘણું બધું કરી શકે છે. તારું ખૂબ મોટું નામ થઈ જશે. તું હસતી હોય ત્યારે કેટલી વ્હાલી લાગે છે. તે આવી વાતો કરવા લાગ્યા તો મને થોડુંક વિચિત્ર લાગ્યું. મેં કહ્યું કે થેન્ક યુ સર. પછી મને ડર લાગ્યો કે ક્યાંક તેઓ કંઈક કરી ન નાખે એટલે હું મારા બોયળેન્ડ સાથે અંદર ચાલી ગઈ.’નેહલે આગળ દાવો કર્યો હતો કે, ‘જ્યારે હું વોશરૂમ ગઈ તો ત્યાં સુભાષજી આવી ગયા. હું માંડ બહાર નીકળી જ હતી, મને લાગ્યું કે તેમને વોશરૂમ જવું હશે. પરંતુ તેઓ સીધા આવ્યા, હું તેમની બાજુમાંથી જવાનો પ્રયાસ કરી રહી હતી. પણ એક સમય એવો આવ્યો કે તેઓ મારા ખૂબ નજીક આવી ગયા, હું ગભરાઈ ગઈ હતી. તેમની આંખો બંધ હતી. તેમણે મને લિપ કિસ કરવાનો પ્રયાસ કર્યો, મેં મોં ફેરવી લીધું તો ગાલ પર કિસ કરી. હું ખૂબ જ ગુસ્સે થઈ ગઈ હતી, પછી બોયળેન્ડ પર પણ ગુસ્સો કર્યો અને ત્યાંથી ચાલી ગઈ.’

