Ahmedabad,તા.13
અદાણી એન્ટરપ્રાઇઝના સહયોગથી IIT ગાંધીનગર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સેન્ટર (IIEC), GIFT ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ (GIFT IFI) દ્વારા ફિનોવેટ હેક 2025 નું આયોજન કરવામાં આવ્યું. રાજ્યભરની કોલેજના 90+ તેજસ્વી વિદ્યાર્થીઓ, ડેવલપર્સ તેમજ સંશોધકોએ 24 કલાકની આ હેકેથોન માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સાયન્સ અને બ્લોકચેનનો ઉપયોગ કરી રિયલ ટાઈમ પડકારોને સામનો કર્યો હતો.
ફિનોવેટ હેક 2025માં સહભાગીઓને ઔદ્યોગિક સમસ્યાઓનું સમાધાન અને માર્ગદર્શન સાથે અદાણી એન્ટરપ્રાઇઝ સહિત ફિનટેક ઇકોસિસ્ટમના લીડર્સ સાથે નેટવર્કની તક આપવામાં આવી. હેકાથોનમાં બે પડકારજનક સમસ્યાઓ આપવામાં આવી હતી, જેમાં દરેક શ્રેણીમાં દસ ટીમોએ સ્પર્ધા કરી. શ્રેષ્ઠ પ્રદર્શન કરનારી ટીમોને ₹4 લાખના રોકડ ઇનામો આપવામાં આવ્યા. ઉપરાંત વિજેતા ટીમને IIEC ખાતે ઇન્ક્યુબેશન સપોર્ટ પણ મળી શકે છે.
આ ઇવેન્ટનો મુખ્ય ઉદ્દેશ નવીનતા અને પ્રતિભા શોધને પ્રોત્સાહન આપવાની સાથે સુરક્ષિત, સ્કેલેબલ અને અસરકારક ફિનટેક સોલ્યુશન્સના વિકાસને વેગ આપવાનો છે. સહભાગીઓ તેમાં વ્યવહારુ અનુભવ, કૌશલ્ય વિકાસ અને પોર્ટફોલિયો વધારવાનો લાભ મેળવે છે.
ફિનોવેટ હેક 2025 માત્ર એક સ્પર્ધા જ નહીં પરંતુ ઝડપી પ્રોટોટાઇપિંગ, સહયોગ અને સમુદાય નિર્માણ માટેનું પ્લેટફોર્મ છે. જેમાં શિક્ષણ, ઉદ્યોગ અને મહત્વાકાંક્ષી નવીનતાઓને એકસાથે લાવી ભારતમાં નાણાકીય ભવિષ્યને નવો આકાર આપવા તકનીક બનાવવામાં આવે છે.

