Mumbai,તા.20
મુંબઈ શેરબજારમાં છેલ્લા ત્રણેક દિવસથી મંદીના માહોલમાંથી આજે અચાનક તેજીનો વળાંક આવી ગયો હતો. સેન્સેકસ ઈન્ટ્રા-ડે 900 પોઈન્ટથી અધિક ઉંચકાયો હતો અને 82000ની સપાટી કુદાવી ગયો હતો. નિફટી પણ 25000ને પાર થયો હતો.
શેરબજારમાં આજે સ્થિર શરૂઆત બાદ તુર્ત માનસ પલ્ટાવા સાથે તેજીનો વળાંક આવી ગયો હતો. ઈઝરાયેલ-ઈરાન યુદ્ધમાં ઝંપલાવવાનો અમેરિકાએ નિર્ણય લીધા બાદ તે માટે હજુ બે સપ્તાહ રાહ જોવાની તથા ઈરાન સાથે વાટાઘાટોના દ્વાર ખુલ્લા હોવાની ટ્રમ્પે જાહેરાત કરતા પોઝીટીવ અસર થઈ હતી.
ટ્રમ્પની આ જાહેરાત બાદ ક્રુડતેલ પણ ઘટયુ હતું અને કરન્સી માર્કેટમાં રૂપિયો પણ મજબૂત થતા તેજીને ટેકો મળી ગયો હતો. લોકલ તથા વિદેશી નાણાં સંસ્થાઓની ધૂમ લેવાલી જેવા કારણોએ પણ તેજીમાં ભાગ ભજવ્યો હતો.
જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે હજુ યુદ્ધ રોકવાના વિકલ્પો ખુલ્લા હોવાથી સંઘર્ષ મહાયુદ્ધમાં પરિણમવાનો ખતરો હળવો બન્યો છે. જો કે, હજુ આ ભૌગોલિક હાલત પર જ મીટ રહેવાની સંભાવના છે.
શેરબજારમાં આજે હેવીવેઈટ, મીડકેપ, સ્મોલકેપ સહિત તમામ ક્ષેત્રોના શેરોમાં ઉછાળો નોંધાયો હતો. હ્યુંડાઈ મોટર્સના શેરનો ભાવ આઈપીઓ કિંમતથી વધી ગયો હતો.
આ સિવાય ટાઈટન, ભારતી એરટેલ, એચસીએલ ટેકનો, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, ઈન્ડુસઈન્ડ બેંક, લાર્સન, મહીન્દ્ર, નેસલે, એનટીપીસી, પાવરગ્રીડ, રિલાયન્સ, સ્ટેટ બેંક, ટાટા સ્ટીલ, ટીસીએસ, જીયો ફાઈનાન્સીયલ, વારી એનર્જી વગેરે ઉંચકાયા હતા. તેજી બજારે પણ હીરો મોટો, બજાજ ઓટો, મારૂતી, એકસીસ બેંક જેવા શેરોમાં ઘટાડો હતો.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ 808 પોઈન્ટના ઉછાળાથી 82170 હતો તે ઉંચામાં 82297 તથા નીચામાં 81323 હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી 243 પોઈન્ટના ઉછાળાથી 25036 હતો તે ઉંચામાં 25078 તથા નીચામાં 24383 હતો. કરન્સી બજારમાં ડોલર સામે ભારતીય રૂપિયો 14 પૈસા મજબૂત થયો હતો.