Haryana,તા.09
હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય પૂરન કુમારની આત્મહત્યાના કેસથી પોલીસ અને વહીવટીતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તેમના નિવાસસ્થાનેથી મળેલી 8 પાનાની સુસાઇડ નોટમાં તેમણે તમામ સંપત્તિ પત્નીના નામે કરી છે અને પોતે સહન કરેલા ઉત્પીડન તથા ભેદભાવનો ઉલ્લેખ કર્યો છે.
આ સુસાઇડ નોટમાં 52 વર્ષીય વાય પૂરન કુમારે પોતાના મૃત્યુ માટે હરિયાણા પોલીસના 9 કાર્યકારી IPS, એક પૂર્વ IPS અને 3 પૂર્વ IAS અધિકારીઓ સહિત કુલ 13 અધિકારીઓના નામ આપ્યા છે. તેઓ મંગળવારે ચંદીગઢમાં તેમના ઘરે મૃત મળી આવ્યા હતા.
IAS અધિકારી અમનીત પી. કુમાર, જેઓ કુમારનાં પત્ની છે. તેઓ જાપાનથી બુધવારે પરત ફર્યા, તેમણે હરિયાણાના DGP શત્રુજીત કપૂર અને રોહતકના SP નરેન્દ્ર બિજારનિયા વિરુદ્ધ FIR નોંધવાની માંગ સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી.
તેમણે આરોપ લગાવ્યો કે ખોટા પુરાવા ઊભા કરીને તેમના પતિને તુચ્છ અને બદઇરાદાવાળી ફરિયાદમાં ફસાવવાનું સુનિયોજિત કાવતરું હતું. જોકે, બંને અધિકારીઓએ પ્રતિક્રિયા આપી નહોતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ આરોપોને નકારી કાઢીને તેને સરકારની ભ્રષ્ટાચાર પરની કાર્યવાહીની પ્રતિક્રિયા ગણાવી હતી.મચંદીગઢ પોલીસે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું કે, વસિયત અને સુસાઇડ નોટ મળી આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે. જોકે, ચંદીગઢ પોલીસના DGP સાગર પ્રીત હુડ્ડાએ આ અંગે કોઈ જવાબ આપ્યો નહોતો.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે, સુસાઇડ નોટમાં વાય પૂરન કુમારે વહીવટીતંત્ર સાથેની સમસ્યાઓ અને હરિયાણા પોલીસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓના નામોનો ઉલ્લેખ કર્યો છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે હાલમાં તપાસ ચાલુ હોવાથી વરિષ્ઠ અધિકારીઓના નામ જાહેર કરી શકાય નહીં.
અનુસૂચિત જાતિના અધિકારી પૂરન કુમારે 8 પાનાની સુસાઇડ નોટમાં જણાવ્યું છે કે તેમને ઑગસ્ટ 2020થી હરિયાણાના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સતત ગંભીર જાતિ-આધારિત ભેદભાવ, લક્ષિત માનસિક ઉત્પીડન, જાહેર અપમાન અને અસહ્ય અત્યાચારનો ભોગ બનવું પડ્યું.
તેમણે માનસિક અને વહીવટી યાતનાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે, જેમાં મંદિર જવા બદલ સતામણી, પિતાના મૃત્યુ પહેલાં ન મળી શકવા માટે રજાનો ઇનકાર, અસ્તિત્વહીન હોદ્દાઓ પર બદલી, અને ખોટી/દ્વેષપૂર્ણ કાર્યવાહીનો સામનો કરવાનો સમાવેશ થાય છે.
2001 બેચના IPS અધિકારી, વાય પૂરન કુમાર (જેઓ 25 સપ્ટેમ્બરથી પોલીસ તાલીમ કેન્દ્ર, સુનારિયા-રોહતકમાં મહાનિરીક્ષક/IG તરીકે તૈનાત હતા), તેમણે IPS અધિકારીના સમાન વ્યવહારની માંગણી સાથે અનેક ફરિયાદો કરી હતી. આ માંગણીઓમાં પૂજા સ્થળો માટેના નિયમોનું પાલન, સમયસર રજા મંજૂર કરવી, પાત્રતા મુજબ સરકારી વાહન અને આવાસની ફાળવણી અને બઢતી/કેડર વ્યવસ્થાપન માટે MHAના નિયમોનું પાલન જેવી બાબતોનો સમાવેશ થતો હતો.
જોકે, તેમણે આરોપ લગાવ્યો કે તેમની તમામ વિનંતીઓ અને ફરિયાદોને અણદેખી કરવામાં આવી અને બદલાની ભાવનાથી અને દ્વેષપૂર્ણ રીતે તેનો ઉપયોગ કરવામાં આવ્યો.
તેમની સુસાઇડ નોટના છેલ્લા ચાર પાનામાં, તેમણે ટોચના અમલદારો સહિતના વરિષ્ઠ IPS અને IAS અધિકારીઓની કથિત ભૂમિકા વિશે વિગતો આપી છે, જેમણે તેમને માનસિક અને વહીવટી રીતે સતામણી કરી.
તેમણે એક વરિષ્ઠ IPS અધિકારી પર જાતિ-આધારિત ભેદભાવ, જાહેર અપમાન અને અત્યાચારનો આરોપ મૂક્યો છે. જ્યારે એક વરિષ્ઠ IAS અધિકારીએ તેમની રજાની અરજી નામંજૂર કરી દીધી હતી. તેમણે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું કે આ કારણે તેઓ પિતાના અવસાન પહેલાં તેમને મળી ન શક્યા, જે તેમના માટે અપૂર્ણીય નુકસાન અને સતત માનસિક પીડાનું કારણ બન્યું. વધુમાં, તેમણે આરોપ લગાવ્યો કે એક વરિષ્ઠ અધિકારીના કહેવાથી SP રેન્કના અધિકારી દ્વારા તેમનું નામ બદનામ કરવામાં આવી રહ્યું છે.
IAS અધિકારી અમનીત પી. કુમારે ચાર પાનાની ફરિયાદમાં DGP શત્રુજીત સિંહ કપૂર સહિત વરિષ્ઠ અધિકારીઓ પર તેમના પતિને વર્ષોથી અપમાન, ઉત્પીડન અને સતામણીનો ભોગ બનાવવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે પતિને તુચ્છ ફરિયાદમાં ફસાવવા માટે કપૂરના નિર્દેશ પર ષડયંત્ર રચાયું હતું. સૌથી ક્રૂરતાપૂર્વક, મૃત્યુના બરાબર પહેલાં, DGPના આદેશ પર તેમના પતિના સ્ટાફ સભ્ય વિરુદ્ધ ખોટી FIR (નવી કલમ 308 BNS, 2023 હેઠળ) નોંધવામાં આવી.
અમનીતે જણાવ્યું કે તેમના પતિએ આ મામલે DGP કપૂરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે વાતચીત દબાવી દીધી અને રોહતકના SP નરેન્દ્ર બિજારનિયાએ પણ ઇરાદાપૂર્વક ફોન નહોતો ઉઠાવ્યો. તેમણે ઉમેર્યું કે 8 પાનાની સુસાઇડ નોટમાં આ સત્યો અને અધિકારીઓના નામ છે જેમની કાર્યવાહીઓએ તેમને આ પગલું ભરવા મજબૂર કર્યા.
તેમણે પોલીસને વિનંતી કરી છે કે DGP કપૂર અને SP બિજારનિયા વિરુદ્ધ IPCની કલમ 306 (હવે કલમ 108 BNS, 2023) અને SC/ST એક્ટની જોગવાઈઓ હેઠળ તાત્કાલિક FIR નોંધીને ધરપકડ કરવામાં આવે, કારણ કે પ્રભાવશાળી હોદ્દા પર હોવાને કારણે તેઓ તપાસમાં અવરોધ લાવી શકે છે અને પુરાવાઓ સાથે ચેડાં કરી શકે છે.