Mumbai,તા.14
ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ દરમિયાન થયેલી હેન્ડશેક કોન્ટ્રોવર્સી પર મૌન તોડ્યું છે. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે ડ્રો માટે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સાથે હાથ નહોતો મિલાવ્યો, કારણ કે તેઓ સદીની નજીક હતા. જ્યારે બંનેએ પોતાની સદી પૂર્ણ કરી, ત્યારે તેમણે ડ્રો માટે હાથ મિલાવ્યો. સ્ટોક્સ અને ઈંગ્લેન્ડના ખેલાડીઓ જાડેજા અને સુંદરના આ કૃત્યથી નાખુશ હતા. ખેલાડીઓ વચ્ચે થોડા સમય સુધી શાબ્દિક યુદ્ધ પણ ચાલ્યું હતું, જે પાછળથી શાંત થઈ ગયુ હતું.
સુંદરે પોતાની નજર સામે આ ઘટના ઘટતા જોઈ અને હવે સીરિઝ સમાપ્ત થયાના લગભગ એક અઠવાડિયા પછી આ ઘટના અંગે મૌન તોડ્યું છે અને કહ્યું કે, ‘આવી ઘટનાઓ કોઈપણ રમતમાં સામાન્ય છે, ખાસ કરીને જ્યારે ઘણું બધું દાવ પર લાગ્યું હોય છે. વોશિંગ્ટન સુંદરે કહ્યું કે, મારો કહેવાનો અર્થ એ છે કે, આવું દરેક રમતમાં થાય છે, ખરું ને? આપણે આવી ઘણી ઘટનાઓ જોઈ છે, માત્ર ક્રિકેટમાં જ નહીં, પરંતુ દરેક રમતમાં આવું બને છે. મારો કહેવાનો અર્થ એ છે કે, રમતો આવી જ હોય છે. તે ઘણું બધું સામે લાવે છે. સાચું કહું તો, મને લાગે છે કે તે અમારા બધા માટે એક અનુભવ હતો.’
જોકે, સુંદરે સ્વીકાર કર્યો કે, આ ઘટનાએ ભારતીય ટીમમાં જોશ ભર્યો અને સીરીઝ ડ્રો પર સમાપ્ત કરાવી. સુંદરે આગળ કહ્યું કે, તમે કોઈપણ ખેલાડીને આ પૂછો, તો તમને આ જ સાંભળવા મળશે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં તમે એક પડકાર ઈચ્છો છો કારણ કે તમે દરરોજ એવી જ અપેક્ષા રાખો છો અને જ્યારે પરિસ્થિતિ મુશ્કેલ બને છે, ત્યારે એકમાત્ર વસ્તુ જે તમને તેમાંથી બહાર નીકળવામાં અને સફળ થવામાં મદદ કરશે તે એ છે કે, પોતાના મનમાં દ્રઢ રહેવું. ભારતે સીરિઝ 2-2 થી ડ્રો કરાવી. ભારતે છેલ્લી મેચ માત્ર 6 રનથી જીતી હતી.