Mumbai,તા.28
છેલ્લા ઘણા સમયથી ગોવિંદા અને સુનિતા આહુજાના છૂટાછેડાની ચર્ચાએ જોર પકડ્યુ હતું, પરંતુ હવે ગણપતિ ઉત્સવમાં એકસાથે આવીને બંનેએ એ સ્પષ્ટ કરી દીધું છે કે, ‘અમારા છૂટાછેડા નથી થઈ રહ્યા.’ વાસ્તવમાં સુનિતા અને ગોવિંદાએ તેમના ઘરે ગણપતિ પૂજાનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે મીડિયાને આમંત્રણ આપ્યું હતું. મીડિયા સાથે વાતચીત દરમિયાન આ કપલે જણાવ્યું કે, ‘અમારા છૂટાછેડાની અફવા જૂઠી છે.’ગણેશ ચતુર્થીના અવસર જ્યારે ગોવિંદા પોતાના દિલની વાત કહી રહ્યો હતો, ત્યારે સુનિતા તેને જોતી જ રહી ગઈ. સુનિતાએ એમ પણ કહ્યું કે કોઈ મને અને ગોવિંદાને અલગ ન કરી શકે.
આ દરમિયાન ગોવિંદાએ હાથ જોડીને કહ્યું કે, મારી કોઈ ઓકાત નથી, મારી માતાના આશીર્વાદ હતા જે મને મળી ગયા છે. હું ક્યારેય કોઈ મહિલાનું અપમાન નથી કરતો. તમે મને ક્યારેય કોઈ સ્ત્રીનો વિરોધ કરતા નહીં જોશો. હું હંમેશા મારા પરિવારમાં માતાને પ્રાર્થના કરું છું કે મને ગમે તેટલું મોટું સ્ટારડમ મળે, ગમે તેટલા પૈસા આવી જાય. ભગવાને પુરુષને કર્મ આપ્યું છે. પરંતુ ભાગ્યની દેવી હંમેશા સ્ત્રી જ હોય છે. તમે બધા ખાસ કરીને બાળકો, તમારી માતાની સેવા કરો. મને ખબર નહોતી કે આવું થાય છે, જે આપણા ભાગ્યમાં ન લખ્યું હોય તે પણ મળી જાય છે. તો તમે બધા તમારી માતાની સેવા કરો. પિતાની સેવા કરો. જો તમારે નંબર વન બનવું હોય, તો માતા-પિતાની સેવા કરવી પડશે. ગણપતિ બાપ્પા મોરયા.