New Delhi,તા.03
સાઈબર ક્રિમિનલ્સે નોઈડા સેક્ટર-47માં રહેનારી સુપ્રીમ કોર્ટની વકીલ રહી ચૂકેલી વૃદ્ધ મહિલાને 9 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરીને 3 કરોડ 29 લાખ રૂપિયા ઠગી લીધા. આરોપીઓએ તેમની પાસે દિલ્હી, મહારાષ્ટ્ર અને કોલકાતામાં ખોલવામાં આવેલા બેંક અકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ પૈસા ભાડાના ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા છે.
પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ સાઈબર ક્રિમિનલ્સે મહિલાને 16 જૂનથી 24 જૂન સુધી ડિજિટલ અરેસ્ટ કરીને રાખી હતી. તેમણે મહિલાના બેંક ખાતાઓ અને તેમાં જમા થયેલી રકમ વિશે માહિતી એકઠી કરી. મહિલાને તેની એફડી તોડીને બધી રકમ તેમના દ્વારા જણાવવામાં આવેલા ખાતામાં ટ્રાન્સફર કરવાનું કહ્યું. આ ઠગોએ વચન આપ્યું હતું કે તપાસ પછી સમગ્ર રકમ મૂળ ખાતામાં પાછી આવી જશે. મહિલાને લાગ્યું કે તે ખરેખર કોઈ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે અને પોલીસ અધિકારીઓ તેને કેસમાંથી બહાર નીકળવામાં મદદ કરી રહ્યા છે. જાળમાં ફસાયા બાદ મહિલાએ પાંચ હપ્તામાં લગભગ 3 કરોડ 25 લાખ રૂપિયા ઠગો દ્વારા ઉલ્લેખિત ખાતામાં ટ્રાન્સફર કરી દીધા.
મહિલાએ જણાવ્યું કે, જ્યારે ઠગોએ ફોન કર્યો ત્યારે હું ઘરમાં એકલી હતી. ઠગોએ મને ચેતવણી આપી હતી કે, જો હું ઘરના અન્ય કોઈ સભ્યને આ વિશે જાણ કરીશ તો પરિવારના અન્ય સભ્યો પણ જેલમાં જઈ શકે છે. મહિલાની પુત્રી અને પુત્ર બહાર હતા. આ દરમિયાન બાળકોએ તેમની માતાને ઘણી વાર ફોન કર્યો, પરંતુ તેમને કંઈ ન કહ્યું. ઘણા દિવસો પછી જ્યારે મહિલા વધુ પરેશાન રહેવા લાગી, ત્યારે તેણે આખી ઘટના પોતાના દીકરાને કહી. ત્યારબાદ દીકરાએ કહ્યું કે તમે સાઈબર ઠગીનો શિકાર બની ગયા છો.
ત્યારબાદ આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો. મહિલાએ ટ્રાન્જેક્શન સંબંધિત તમામ દસ્તાવેજો પોલીસને સોંપ્યા. મહિલાના ઘરે પડોસીઓનું આવવું-જવું નહોતું. તેથી નવ દિવસ દરમિયાન કોઈ તેમના ઘરે નહોતું આવ્યું. આ ઠગોએ દિવસ-રાત વીડિયો કોલ દ્વારા મહિલા પર નજર રાખી. મહિલાને સમયાંતરે રિપોર્ટ કરવાનું કહ્યું અને તે આમ કરતી રહી.
મહિલાએ કહ્યું કે ‘હું વ્યવસાયે વકીલ હતી. આરોપીને સજા અપાવવા માટે હું લડતી હતી. પરંતુ એક નાની ભૂલ અને ડરના કારણે મેં પોતાની આખી જિંદગીની બચત ગુમાવી દીધી. શરૂઆતમાં મને વિચાર આવ્યો કે, મારે આ અંગે પરિવારને જણાવી દેવું જોઈએ, પરંતુ સાઈબર ક્રિમિનલ્સે મારા મનમાં એવો ડર ભરી દીધો કે હું કંઈ સમજી જ ન શકી. હું ઠગો જે કંઈ કહેતા હતા તે કરતી રહી. આ દરમિયાન મારી દીકરીએ મને પરેશાન રહેવાનું કારણ પણ પૂછ્યું પરંતુ મેં કંઈ ન કહ્યું.’
પોલીસ અધિકારીઓએ કહ્યું કે, ‘દેશની કોઈ પણ તપાસ એજન્સી ડિજિટલ અરેસ્ટ નથી કરતી. જો પોલીસ, સીબીઆઈ, સીઆઈડી વગેરે અધિકારીઓ વીડિયો કોલ પર આવે છે, તો તે બધું નકલી છે. આવો કોલ આવતાં જ કોલરને કહો કે, તમે લોકલ પોલીસ સાથે ઘરે આવીને પૂછપરછ કરો.’
સાઈબર ઠગીનો શિકાર બનતા તમે જેટલી વહેલી ફરિયાદ નોંધાવશો, તેટલી જ ઝડપથી પૈસા ફ્રીઝ કરવામાં સરળતા રહેશે. છેતરપિંડી થયાના 24 કલાકની અંદર ટોલ ફ્રી નંબર 1930 પર અથવા નેશનલ સાઈબર ક્રાઈમ પોર્ટલ cybercrime.gov.in પર ચોક્કસ ફરિયાદ નોંધાવો.
સાઈબર ઠગીથી બચવા માટે આ સાવધાની રાખો
– જો કોઈ અજ્ઞાત વ્યક્તિ પાર્સલમાં ડ્રગ્સ હોવાનું કહે તો પોલીસનો સંપર્ક કરો.
– કોઈ ફોન કરીને લોન અપાવવા માટે કહે તો તેની જાળમાં ક્યારેય ન ફસાવું.
– અજ્ઞાત વ્યક્તિ સાથે અકાઉન્ટ નંબર, આધાર નંબર, પાન નંબર વગેરે માહિતી શેર ન કરવી.
– જો કોઈ અજ્ઞાત વ્યક્તિ કોઈ સોશિયલ મીડિયા ગ્રુપમાં જોડાઈ તો તેને તેનું કારણ જરૂર પૂછો.