New Delhi, તા.6
લદાખમાં તોફાનો અને હિંસા બાદ કેન્દ્ર સરકાર દ્વારા અહીના સામાજીક નેતા સોનમ વાંગચૂકની કરાયેલ ધરપકડ સામે તેમના પત્નીએ સર્વોચ્ચ અદાલતમાં કરેલી અરજી સંદર્ભમાં સુપ્રીમકોર્ટે કેન્દ્ર સરકાર અને લદાખના કેન્દ્ર શાસીત પ્રદેશના સચીવને નોટીસ પાઠવી છે.
બે દિવસ સુધી લદાખમાં જે રીતે યુવા વર્ગના તોફાનો ચાલ્યા અને પોલીસ ગોળીબારમાં ચારથી વધુ લોકોના મૃત્યુ થયા તે બાદ સરકારે આ તોફાનો માટે સામાજીક નેતા સોનમ વાંગચુકની રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
તા.26ના રોજ તેમને લેહમાંથી છેક રાજસ્થાનમાં જોધપુર જેલમાં ખસેડાયા હતા અને તેમની આ એનએસએ હેઠળ અટકાયતમાં તેમના પત્ની ગીતાંજલીએ સુપ્રીમકોર્ટમાં પડકારી છે અને તાત્કાલીક મુક્તિની માંગણી કરી છે.
સર્વોચ્ચ અદાલતે આ અંગે કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે નોટીસ પાઠવી છે અને સાથોસાથ લદાખના કેન્દ્રશાસીત પ્રદેશના સચીવને પણ તેમનો જવાબ રજુ કરવા જણાવ્યું છે.