New Delhi તા.7
દેશમાં હાઈવેથી લઈ શહેરો અને ગ્રામીણ માર્ગો પર રખડતા કુતરાઓ તથા આવારા પશુઓ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ આદેશમાં સર્વોચ્ચ અદાલતે તમામ રાજયો અને કેન્દ્ર શાસીત પ્રદેશોને આવારા પશુઓને સડકો, રાજયો તથા રાષ્ટ્રીય હાઈવે તેમજ રાજમાર્ગો પરથી દુર કરવા આદેશ આપ્યો હતો.
આવારા કુતરાઓ સંબંધીત સુપ્રીમકોર્ટમાં થયેલી રિટ સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે આ અંગે રાજય ઉપરાંત રાષ્ટ્રીય રાજમાર્ગ ઓથોરિટી અને નગરપાલિકાઓને આ આદેશનું પાલન કરવા જણાવ્યું હતું.
દેશમાં રખડતા કુતરા અને ઢોરોનો ત્રાસ તથા તેના કારણે સર્જાતા અકસ્માત અને કુતરાઓના હુમલાની વધી રહેલી ઘટના સંદર્ભમાં સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, આવારા પશુઓને દુર કરવા માટે હાઈવે પર ખાસ ટીમ બનાવવામાં આવશે અને તે આ પ્રકારના પશુઓને હાઈવે પરથી દુર કરી ખાસ શેલ્ટર હોમમાં રાખશે.
સુપ્રીમકોર્ટે આ ઉપરાંત તમામ શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પીટલો, બસ તથા રેલ્વે સ્ટેશનો પરથી પણ આવારા કુતરાઓને દુર કરવા આદેશ આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેમને હાલ શેલ્ટર હોમમાં રાખવામાં આવશે અને તેમને નશબંધી કર્યા બાદ છોડવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમના માટે જે વિસ્તારોમાં ઝડપાયા હોય ત્યાં નહી છોડવાની પણ ખાસ સૂચના આપી હતી.
સુપ્રીમકોર્ટના ન્યાયમૂર્તિ વિક્રમનાથ, ન્યાયમૂર્તિ સંદીપ મહેતા અને ન્યાયમૂર્તિ એન.વી.અંજારીયાની ખંડપીઠે દેશમાં ડોગ બાઈટ એટલે કે કુતરાઓ કરડવાની ઘટનાઓના આંકડા જોઈને ચિંતા વ્યક્ત કરી હતી અને આદેશ આપ્યો કે આવારા કુતરાઓને શેલ્ટર હોમમાં વેકસીન આપવામાં આવશે.
સાર્વજનીક વિસ્તારોમાં કુતરાઓ ફરી એક વખત ઘુસે નહી તે તકેદારી રાખવામાં આવશે અને આ અંગે રાજય સરકાર ખુદ પોતાની યોજના બનાવશે. સર્વોચ્ચ અદાલતે આ અંગે હવે તા.13 જાન્યુ.ના રોજ વધુ સુનાવણી યોજી છે અને તે સમયે રાજય સરકારોએ લીધેલા પગલાઓની માહિતી આપવી પડશે.
રખડતા કુતરાઓ અંગે ખાસ આદેશઃ આઠ સપ્તાહમાં અમલ
તમામ શૈક્ષણિક સંસ્થાઓ-હોસ્પીટલો-બસ તથા રેલ્વે સ્ટેશનો અને જાહેર માર્ગો પરથી આવારા કુતરાઓને હટાવાશેઃ શેલ્ટર હોમમાં રાખ્યા બાદ વેકસીનેશન અને તેમને જુના વિસ્તારમાં ન છોડવા પણ ખાસ તાકીદઃ આઠ સપ્તાહમાં આ આદેશનો અમલ કરવો પડશેઃ તા.13 જાન્યુ.ના વધુ સુનાવણી

