મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦૦૪ની સાલમાં છુટા કરવામાં આવતા અદાલતમાં દાદ માંગવામાં આવી તી
Rajkot,તા.02
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૨૦૦૪ની સાલમાં છુટા કરવામાં આવેલ ફાયર બ્રિગેડ કર્મચારીના નોકરીની સળંગતા ગણી આપવા અંગે લેબર કોર્ટે કરેલો હુકમ સુપ્રીમ કોર્ટે પણ યથાવત રાખી કર્મચારીને સળંગ નોકરી ઉપર લેવા હુકમ કર્યો છે.આ કેસની હકિકત એવા પ્રકારની છે કે, મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારી રાજેન્દ્રકુમાર બસિયાને છુટા કરાયા હતા. જેમાં રાજેન્દ્ર બસીયાએ પોતાને ગેરકાયદે છૂટો કરવામાં આવ્યા હોવાની રજૂઆત કોર્ટ સમક્ષ કરીને નોકરીમાં પુનઃસ્થાપિત કરવા અંગે કેસ દાખલ કર્યો હતો, જે કેસની સુનવણી બાદ કોર્ટ દ્વારા કર્મચારી રાજેન્દ્ર બસીયાને સળંગ નોકરીમાં ગણી પુનઃસ્થાપિત કરવા હુકમ કર્યો હતો. કોર્ટના આ હુકમ સામે મ્યુનિસિપલ કોર્પોરેશને
ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સ્પે. સિવિલ એપ્લિકેશન દાખલ કરી હતી. તેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન રદ કરવામાં આવેલ હતી. આથી મ્યુ. કોર્પોરેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટ સમક્ષ લેટર્સ ઓફ પેટન્ટ અપીલ દાખલ કરાઇ હતી. તેમાં ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા કર્મચારીની નોકરીની સળંગતા પુરતો ઓર્ડર મોડીફાઈડ કરેલ હતો. તેથી કર્મચારી રાજેન્દ્ર બસીયાએ ગુજરાત હાઈકોર્ટના એલ.પી.એ.ના હુકમ સામે સુપ્રિમ કોર્ટ, દિલ્હી સમક્ષ સ્પેશિયલ લીવ પિટિશન દાખલ કરી હતી. જે એસ.એલ.પી.ની સુનવણી થતા સુપ્રીમ કોર્ટ દ્વારા આ કર્મચારીને નોકરીની સળંગતા આપવા હુકમ કરેલ છે. આ કેસમાં કર્મચારી તરફે રાજકોટના સિનિયર એડવોકેટ જી. આર. ઠાકર, ગાર્ગીબેન જી. ઠાકર, મિલનભાઈ દુધાત્રા, કૃપાલ ઠાકર, જીંકલ પટેલ, એ. જી. ઠાકર રોકાયા હતા.