Surat, તા.16
દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાઇ છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન. એના યજમાન સુરતનાં સેવાભાવી એવું પી.પી.સવાણી પરિવાર છે. અત્યાર સુધી 5274 દીકરીઓને સાસરે વળાવી ચૂકેલા પી.પી.સવાણીના આંગણેથી આગામી 14 અને 15 ડિસેમ્બર એમ બે દિવસમાં 111 દીકરીઓને પિયરયું છોડીને સાસરે વળાવાશે.
વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, ચૂંદડી મહિયરની, દીકરી જગત જનની, માવતર અને હવે પિયરયું જેવા નામે યોજાતો લગ્ન સમારોહ અનેક રીતે અનોખો હોય છે. પી પી. સવાણી પરિવારના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારોદીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 5274 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર
ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.
પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી.પી. સવાણી ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 111 દીકરીઓના લગ્ન તા.14 અને 15 ડિસેમ્બર શનિ – રવિવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાશે.
’
પિયરયું’ નામે યોજાઇ રહેલા લગ્ન સમારોહની વિગત માટે આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં 5000 દીકરીઓના ધમ્મા, પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર-કન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે 50 હજાર જેટલા તુલસીના રોપા” ભેટમાં અપાશે. પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના “એક વૃક્ષ મા કે નામ” ના આહ્વાનને આગળ લઈ જનારો છે. સાથે આ રોપાને અંગદાન જાગૃતિ ના ટેગ સાથે આપવામાં આવશે.
આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારિબાપુ સહિત 40 જેટલા સંતો પધારશે અને નવદંપતીને આશીર્વાદ આપશે, તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય મંત્રી પ્રદેશ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત અનેક રાજકીય આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે. રાજ્ય સરકારના મંત્રીઓ,સનદી અધિકારીઓ, સાધુ-સંતો, જાણીતા વક્તા, ગાયિકાઓ સહિત અનેક મહાનુભાવ હાજર રહેશે.
પિયરયું લગ્ન સમારોહમા ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે. બે મૂક-બધિર અને બે દિવ્યાંગ કન્યા છે. બે મુસ્લિમ છે અને વિવિધ 39 જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા ફરશે. લગ્ન અગાઉ જ તમામ 111 દીકરીઓને પિતાની હૂક પૂરી પાડનાર લાગણી રૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે. જે 111 કન્યા છે એ પૈકી 90% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી.
દીકરી-જમાઈનું પૂજન
દરવર્ષે દીકરીનું પૂજન થાય જ છે, આ વર્ષે પણ થશે પણ એમાં નવા પરિમાણ ઉમેરાયા છે. લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દીકરીનું પૂજન એના સાસુ-સસરા કરશે, જ્યારે પરિવારમાં દીકરાને આવકારવા જમાઈનું પૂજન એની સાસુ કરશે. આ આરતી અનોખી અને સંભવત: પ્રથમ વખત થશે જ્યાં વહુ અને જમાઈની આરતી એની સાસુ કરતી હોય.
ગોલ્ડન બૂક ઓફ રેકર્ડમાં સ્થાન
પિયરિયું લગ્નસમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે. એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી 5274 દિકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં 50,000 તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ બનશે. તો લગ્નસમારોહમાં 370 ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ બનવાનું છે. આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ 14 તારીખે હાજર રહેશે અને સર્ટિફિકેટ એનાયત કરશે.
લગ્ન બાદ પણ દીકરીની તમામ જવાબદારી નિભાવવા સેવા સંગઠન” ની સ્થાપના
મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે કરિયાવર તો આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ દીકરીની તમામ જવાબદારી પણ નિભાવીએ છીએ. પી.પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરે છે એ સૌ જાણે છે. અમારી દીકરી-જમાઈનું સેવા સંગઠન” પણ બન્યું છે. આ એટલા માટે છે કે અમારી દીકરીની માતાને જે બાળકોના ઉછેર માટે જે તકલીફ પડી છે એ અમારી દીકરીને ન પડે એ માટે આ સેવા સંગઠન બનાવ્યું છે.
ઈશ્વર નહી કરે ને કોઈ દીકરી વિધવા થાય તો આ સંગઠન એને આર્થિક સહાય કરે છે.સાથે જ એના બાળકની શિક્ષણ અને આરોગ્યની તમામ જવાબદારી પણ નિભાવે છે. આવી દીકરીના બાળક ગ્રેજ્યુએટ થાય ત્યાં સુધીની જવાબદારી સેવા સંગઠન ઉપાડશે. દીકરીને કોઈપણ પ્રકારની આર્થિક જરૂરિયાત માટે પણ સેવા-સંગઠન પ્રતિબધ્ધ છે.