નશામાં કારચાલકે લોકોને ઉડાવી ભાગ્યો જો કે સ્થાનિકોએ મેથીપાક આપી પોલીસને સોંપ્યો
Surat,તા.૨૨
સુરતમાં હીટ એન્ડ રનની વધુ એક ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં એક પછી એક ચાર લોકોને ઉડાવીને ભાગેલો રેનોલ્ડ ક્વિડ કારનો ચાલક અલથાણમાં આવીને બીઆરટીએસની રેલિંગ સાથે કાર ભટકાઈ ગયો હતો. અલથાણમાં લોકોએ તેની કારનો ભૂક્કો બોલાવી દીધો હતો. કારમાંથી ખેંચીને તેને ઢોર માર માર્યો હતો અને પોલીસને સોંપ્યો હતો.આ ઘટનાથી લોકો એટલી હદે રોષે ભરાયા હતા કે, કારચાલકને કાર બહાર ખેંચીને ધડાધડ ફડાકા ઝીંકી દીધા હતા. તો અન્ય એક યુવકે કારના બોનેટ ઉપર ચડીને કાચ પર લાત કારના કાચનો ભૂક્કો બોલાવી દીધો હતો. નબીરા પર ઉશ્કેરાયેલા લોકોએ ઘટનાસ્થળે જ તેને બરાબર પાઠ ભણાવ્યો હતો.
રવિવારની મોડીરાત્રે પાંડેસરા વિસ્તારમાં કારના ચાલકે બેફામ કાર દોડાવીને ચાર વ્યક્તિને અડફેટે લીધા હતા. આટલેથી તે અટક્યો નહતો. નબીરાએ કારને વધુ બેફામ હંકારીને અલથાણ તરફ આવ્યો હતો, જ્યાં કારને મ્ઇ્જી રૂટમાં ડિવાઈડર સાથે અથડાવી હતી. કારચાલકની આ હરકતોથી સ્થાનિક લોકો ઉશ્કેરાયા હતા અને એકઠા થઈ ગયા હતા.રોષે ભરાયેલા લોકોના ટોળાએ કારને ઘેરી લીધી હતી અને કારચાલકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. ઉશ્કેરાયેલા લોકોમાંથી એક યુવાને કારના બોનેટ ઉપર ચડીને કારના કાચનો ભૂક્કો બોલાવ્યો હતો. બીજી બાજુ કારનો દરવાજો ખોલીને અન્ય લોકોએ કારચાલકને ખેંચી ધોલધપાટ કરી હતી. હાજર લોકોએ જ પોલીસને બોલાવી હતી. અલથાણ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારચાલકને લઈ પોલીસ સ્ટેશન રવાના થઈ ગઈ હતી.કાર ચલાવતો યુવાન પિંકેશ દલાલ હોવાનું અને તે શહેરના અડાજણ વિસ્તારમાં આવેલા પાલિકાના સુમન જ્યોત આવાસમાં રહેતો હોવાનું જણાયુ હતું.અલથાણ પોલીસએ જણાવ્યું હતું કે, કારચાલક પિંકેશ દલાલ હોસ્પિટલમાં નોકરી કરે છે, નશાની હાલતમાં કાર ચલાવતો હતો. હાલમાં તેની ધરપકડ કરી વિવિધ કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે વધુમાં ઉમેર્યુ હતું કે, પિંકેશે નશો કરી કાર ચલાવી હોવાથી તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ કેન્સલ કરવા માટે આરટીઓ સુરતને રિપોર્ટ કરવાની પણ તજવીજ હાથ ધરી છે.

