Surat તા.16
દેશના સૈનિકો માટે સુરતીઓ હર હંમેશા તત્પર રહેતા હોય છે. સૈનિકો પ્રત્યે સિવિલિયનની ફરજ સહિતની હૂંફની લાગણી દર્શાવવાનો મોકો સુરતીઓ ચૂકતા નથી. ત્યારે દિવાળીની ઉજવણી સૈનિકો સાથે કરવાના નેક વિચાર સાથે સુરતથી 10 યુવકોની ટીમ મીઠાઈ, ચશ્મા અને ટોપી સહિતની વસ્તઓ લઈને નીકળ્યા છે. સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમ ભારત-પાકની કચ્છ બોર્ડર પર સૈનિકો સાથે દિવાળી મનાવશે. ‘સુરત સે સરહદ તક’ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાની આ છઠ્ઠી ટૂર છે.
ફ્લેગ ઓફ ઓનર અપાયું
સૈનિકોને દિવાળીનાં તહેવાર પર મીઠાઇ તેમજ ગિફ્ટ આપીને ઉજવવા સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરતની ટીમનાં 10 સભ્યો ભારત પાક કચ્છ બોર્ડર પર જવા રવાના થયા હતા. જેને ઉતરાણ ખાતે આવેલી મહારાજા કૃષ્ણકુમારસિંહજી સ્કૂલ ખાતેથી શહેરનાં નાગરિકો દ્વારા ફ્લેગ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

મીઠાઈ સાથે ગીફ્ટ અપાશે
સંસ્થાનાં પ્રમુખ ઘનશ્યામ બિરલાએ કહ્યું કે, અમારી ટીમ છેલા પાચ વર્ષ થયાં દરેક દિવાળીનાં તેહવારોની ઉજવણી વીર જવાનો સાથે કરે છે. આં અમારી સંસ્થાની છઠ્ઠી ટૂર છે. જવાનોને દિવાળીનાં સમયમાં કૌટુંબિક હુંફ મળી રહે અને જવાનોનો જુસ્સો બુલંદ રહે. તે માટે બોર્ડર ટૂરનાં કાર્યક્રમો કરવામાં આવે છે. આ વખતે 400 કિલોથી વધુ મીઠાઈ, ડેઝર્ટ ગોગલ્સ, ટોપી સહિતની વસ્તુઓ આ વખતે જવાનોને આપીને દિવાળીની ઉજવણી કરવામાં આવશે.