મગદલ્લા ગામના ફ્લેટમાં સ્પા ગર્લ સાથે લિવ ઈનમાં રહેતા યુવકના બર્થ ડે માટે સ્પા ગર્લ બોલાવી રવિવારે રાત્રે ડ્રગ્સ, ગાંજો અને દારૂની છોળો ઉડાડી હતી
Surat,તા.૨૨
સુરતમાં તાપી નદીના કિનારે આવેલા એસીથી સજ્જ બિલ્ડીંગમાં રેવ પાર્ટી ચાલતી હતી. જેમાં ભાડેથી દેશી અને વિદેશી સ્પા ગર્લ્સ રહેતી હતી. સુરતના મગદલ્લા ગામના ફ્લેટમાં સ્પા ગર્લ સાથે લિવ ઈનમાં રહેતા યુવકના બર્થ ડે માટે સ્પા ગર્લ બોલાવી રવિવારે રાત્રે ડ્રગ્સ, ગાંજો અને દારૂની છોળો ઉડાડી હતી. બર્થ પાર્ટીના રંગમાં ગાંધીનગર નાર્કોટીક્સ સેલ સીઆઇડી ક્રાઈમની ટીમે ભંગ પાડ્યો હતો. સીઆઈડીએ બર્થ ડે બોય, ૯ યુવતી સહિત ૧૪ની ધરપકડ કરી એમડી ડ્રગ્સ, હાઈબ્રિડ ગાંજો, દારૂ મળી મળી ૪.૬૩ લાખનો કુલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.સુરતના પોશ વિસ્તાર એવા વીઆર મોલની બાજુના રસ્તા પરથી અંદર એકથી દોઢ કિલોમીટર અંદર જતા મગદલ્લા ગામનો કરીઝમાં મહોલ્લો આવે છે.
અહીં આસપાસમાં બંગલાઓમાં હાઇફાઇ લોકો રહે છે. અડધો કિમી અંદર જતા તાપી નદીના કાંઠે જલારામ કુટીર નામનું ચાર માળનું એપાર્ટમેન્ટ આવેલું છે. આ આખી બિલ્ડિંગમાં એક માળ પર એસીથી સજ્જ ત્રણ ફ્લેટ એમ કુલ ૧૨ ફ્લેટ આવેલા છે. આ બિલ્ડિંગને વિદેશી અને સ્પામાં કામ કરતી મહિલાઓ માટે જ બનાવવામાં આવ્યું હોવાનું સ્થાનિકો પાસેથી માહિતી મળી હતી.જલારામ કુટીર નામના એપાર્ટમેન્ટ ખાતે ખૂબ જ અવરજવર ઓછી હતી. થોડીવારમાં જ બે સ્પા ગર્લ નીચે ઉતરી અને તેના કામ અર્થે નીકળી ગઈ હતી. ત્યારબાદ આ એપાર્ટમેન્ટની અંદર પ્રવેશ કર્યો હતો જ્યાં પાર્કિંગમાં એક કાર પણ પડી હતી. સીઆઈડી ક્રાઇમ દ્વારા ચોથા માળે ૪૦૩ નંબરના ફ્લેટમાં રહેતા અમિતકુમાર યાદવના ઘરમાં રેડ કરવામાં આવી હતી. આ એપાર્ટમેન્ટમાં લિફ્ટ નથી. જેથી દાદર ચડીને ઉપર જવાનો પ્રયાસ કર્યો હતો.
પહેલા મળે બે ફ્લેટમાં ત્યાં ભાડેથી રહેતી સ્પા ગર્લ હાજર હતી. જો કે, તેમણે તેમના ફ્લેટને અંદરથી લોક કરેલા હતા. આ આખા બિલ્ડિંગમાં દરેક ફ્લોર પર અને નીચે પણ અને બહાર તમામ જગ્યાઓ સીસીટીવી કેમેરાઓથી સજ્જ છે. આ ચાર માળની બિલ્ડિંગમાં એક ફ્લોર પણ ત્રણ ફ્લેટ આવેલા છે. તપાસ દરમિયાન આ આખી બિલ્ડિંગમાં ૬થી ૭ ફ્લેટમાં જ હાલ ભાડેથી સ્પા ગર્લ રહેતી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે સીઆઈડી ક્રાઈમની રેડ પડ્યા બાદ કેટલીક સ્પા ગર્લ ફ્લેટ ખાલી કરીને પણ જતી રહી હતી.જલારામ કુટીર એપાર્ટમેન્ટના ચોથા માળે પહોંચતા જ પહેલા જ એક સીસીટીવી નજરે પડ્યા હતા.
૪૦૧ નંબરનો ફ્લેટ બંધ હતો. જ્યારે ૪૦૨ નંબરના ફ્લેટમાં સ્પા ગર્લ રહે છે. જો કે, તે કામ અર્થે બહાર હોવાથી તેને પણ લોક હતો. આ સાથે જ જે ફ્લેટમાં ડ્રગ્સ ગાંજા અને દારૂ સાથે પાર્ટી કરવામાં આવી હતી તે ૪૦૩ નંબરના ફ્લેટને પણ લોક કરવામાં આવેલું હતું.સ્થાનિકો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આ જલારામ કુટીર એપાર્ટમેન્ટના માલિક નજીકમાં જ રહે છે. આ આખા એપાર્ટમેન્ટમાં સ્પામાં કામ કરતી વિદેશી અને ભારતીય મહિલાઓને જે ફ્લેટ ભાડે આપવામાં આવે છે. એક ફ્લેટનું ભાડું અંદાજિત ૧૨૦૦૦થી ૧૪૦૦૦ રૂપિયા હોવાની શક્યતા છે. જેથી કહી શકાય કે, આ એપાર્ટમેન્ટના માલિકને મહિને ૧.૫ લાખ જેટલું ભાડું આવે છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીં ટૂંકા વસ્ત્રોમાં સ્પા ગર્લની સતત અવરજવર રહેતી હોય છે.
મગદલ્લા ગામમાં કરિઝમા મહોલ્લામાં જલારામ કુટિર એપાર્ટમેન્ટ છે. આ એપાર્ટમેન્ટના ફ્લેટ નોર્થ ઇન્ડિયન અને વિદેશી સ્પા ગર્લને ભાડે આપવામાં આવ્યા હતાં. અહીં ૪૦૩ નંબરના ફ્લેટમાં અમિત યાદવ અને કેટલીક યુવતીઓ રહે છે. આ યુવતીઓ સ્પામાં નોકરી કરે છે. સ્પા ગર્લ સ્ટેલા તમાંગ સાથે અમિત લિવ ઇનમાં રહે છે. રવિવારે ૨૦મી તારીખે અમિત યાદવનો જન્મદિવસ હતો. આ પ્રસંગે તેણે પાર્ટી આપી હતી. પાર્ટીમાં અમીતે તેની પ્રેમિકા સ્ટેલાની સ્પામાં નોકરી કરતી બહેનપણીઓ, તેમના પતિ અને કેટલાક બોલાવ્યા હતાં. આ મહેમાનો માટે ડ્રગ્સ, ગાંજો, વિદેશી શરાબ, સિગારેટ એમ તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ રેવ પાર્ટી અંગે સીઆઈડી ક્રાઈમના નાર્કોટિક્સ સેલના ઇન્સ્પેક્ટર અશરફ બલોચને બાતમી મળી હતી. તેમણે સ્ટાફ સાથે મોડીરાતે આ જલારામ કુટિર એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. જેમાં પાંચ પુરુષ અને નવ યુવતી માદક પદાર્થોનો નશો કરવા સાથે દારૂનું સેવન કરતા રંગેહાથ ઝડપાયા હતાં. પાંચ યુવાનોમાં નોકરિયાત, એન્જિનિયર, જમીન દલાલ, હીરા દલાલ, ડેટા પ્રોસેસરનો સમાવેશ થાય છે. જ્યારે જમીન દલાલની પત્ની પણ આવી હતી. ૮ સ્પા ગર્લ હતી. જેમાં ૫ સિક્કિમ, ૨ નેપાળ, ૧ મિઝોરમ અને ૧ કોલકત્તાની છે.જલારામ કુટીરમાં આવેલા ૪૦૩ નંબરના ફ્લેટમાં રેડ દરમિયાન ફ્લેટમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ૯.૩૧ ગ્રામ કિંમત રૂપિયા ૯૩,૧૦૦, હાઇબ્રીડ ગાંજો ૨૨.૮૩ ગ્રામ કિંમત રૂપિયા ૬૮,૪૯૦, વિદેશી દારૂની અધૂરી બોટલો નંગ-૭ (બ્લેન્ડર પ્રાઇડ, પ્રિમીયમ વિસ્કી, રોયલ ચેલેન્જર વગેર) કિંમત રૂપિયા ૩૩૧૧, ગ્લાસમાં ભરેલ દારૂ ૬૦૦ મિલી કિંમત રૂપિયા ૧૬૬૧, મોબાઈલ ફોન નંગ ૧૩ કિંમત રૂપિયા ૨,૯૩,૦૦૦, એસેન્સિયલ સિગારેટ કિંમત રૂપિયા ૨૦ અને ઇલેક્ટ્રિક વજન કાંટો કિંમત રૂપિયા ૭૦૦ સહિત કુલ રૂપિયા ૪,૬૩,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
સીઆઇડીની તપાસમાં સંદીપ અને પ્રતિક પટેલ નામના યુવકોએ એમડી આપ્યું હતું તો અયાઝ પટેલે ગાંજો આપ્યો હતો. જેથી પોલીસે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા હતા. અમિત યાદવ ત્રણેય સાથે વોટ્સએપથી ચેટ કરી માલ મંગાવતો હતો. વિદેશી દારૂ કોની પાસેથી લાવ્યા તે દિશામાં તપાસ કરાઈ રહી છે. પોલીસને ફ્લેટમાથી ઇમ્પોર્ટેડ સિગારેટના બોક્સ પણ મળી આવ્યા હતા. આરોપીઓ આ સિગારેટના ખાલી બોક્સમા ગાજો ભરી દમ મારો દમ કરતા હતા.