Surat,તા.૯
સુરતના સરથાણામાં નિર્દયતાથી પત્ની-પુત્રની હત્યા કર્યા બાદ બે વખત આત્મહત્યા કરવાનો પ્રયાસ કરનાર સ્મિત જીયાણીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સરથાણા પોલીસે હત્યારાને સાથે રાખી ઘટનાનું રિકન્સટ્રક્શન કર્યુ છે.
સુરતમાં સરથાણામાં સામુહિક હત્યાના બનાવથી ચકચાર મચી ગઈ હતી. સરથાણા વિસ્તારમાં સૂર્યા ટાવરમાં રહેતા યુવાને પરિવારની સામુહિક હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્ની-પુત્રના મોત નિપજ્યા હતા અને માતા પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ શહેરના સરથાણામાં આવેલ સૂર્યા ટાવરમાં સ્મિત જિયાણી નામનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. ગત રોજ સ્મિત નામના યુવાને અચાનક પોતાના પરિવાર પર ઘાતકી હુમલો કર્યો. યુવાને પહેલા પત્ની અને માસૂમ બાળક તેમજ પોતાના માતા-પિતાને પણ ચપ્પુ મારી ઘાયલ કર્યા. પરિવારને ઘાતકી રીતે ઘાયલ કર્યા બાદ સ્મિત નામના યુવાને પોતે પણ ગળાના ભાગે ચપ્પુ મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ સામૂહિક હત્યાના પ્રયાસમાં યુવાનની પત્ની અને બાળકનું મોત નિપજયું હતું. જ્યારે ઘાયલ યુવાન અને તેના માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ડબલ મર્ડર કેસમાં સરથાણા પોલીસે આરોપીને ઝડપી તપાસ હાથ ધરી હતી. પત્ની-પુત્રના હત્યારા આરોપી સ્મિતને કોર્ટમાં રજૂ કરાયો હતો. સરથાણા પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટે આરોપી સ્મિત જિયાણીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આરોપી સ્મિત જીયાણીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે. હત્યારાને સાથે રાખી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાયું છે. આરોપી સ્મિત મગરના આંસુ સારતો નજરે ચડ્યો હતો. આરોપી બે વાર આપઘાતનો પણ પ્રયાસ કરી ચુક્યો છે.