Surat, તા,11
સુરતમાં આપના બે કોર્પોરેટરો સામે એસીબીએ 10 લાખની લાંચના કેસ નોંધ્યો છે તે કિસ્સામાં પાલિકાના વરાછા ઝોનના અધિકારીની ભૂમિકા શંકાના દાયરામાં આવી હતી. ત્યારબાદ પોલીસે પાલિકાના બે અધિકારીની ભુમિકા ચકાસણી માટે કાર્યવાહી શરૂ કરતાં વરાછાના કાર્યપાલક ઇજનેર અને તત્કાલિન ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર રજા પર ઉતરી ગયાં હતા. આસી. કમિશનરનો ચાર્જ તો સોંપી દેવાયો છે પરંતુ છેલ્લા 22 દિવસથી કાર્યપાલક ઇજનેર મંજૂરી વિના ગેરહાજર છે તેમ છતાં મહેકમ વિભાગ તેમનો ચાર્જ હજુ કોઈને સોંપ્યો ન હોવાથી ઝોનની કામગીરીમા અનેક અડચણ આવી રહી છે. આટલું જ નહી પરંતુ 22 દિવસથી મંજુરી વિના ગેરહાજર છે તેમ છતાં અધિકારીઓ સામે પગલાં પણ ભરાયા નથી.
સુરતમાં આપના વિપુલ સુહાગીયા અને જીતેન્દ્ર કાછડીયાએ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગી હતી. જેમાં પાલિકાના વરાછા ઝોનના આસી. કમિશનર અને કાર્યપાલક ઈજનેરની ભૂમિકા સામે કેટલાક પ્રશ્નો ઉભા થયા છે. પાલિકા કેમ્પસમાં લાંચની ઘનટા બની છે અને અધિકારીઓ સામે પણ આક્ષેપ ત્યાં હોવાથી એસીબીએ અગાઉ અધિકારીની પૂછપરછ કરી છે. પરંતુ હવે ફરી વખત એસીબી દ્વારા વરાછાના કાર્યપાલક ઇજનેર કમલેશ વસાવા અને તત્કાલિન ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ધનંજય રાણેની સંડોવણી અંગે તપાસ શરુ કરતાં બન્ને અધિકારીઓ રજા પર ઉતરી ગયા છે. વરાછા એ ઝોનના કાર્યપાલક ઈજનેર કમલેશ વસાવા તો પાલિકાને કોઈ પણ જાતની જાણ કર્યા વિના છેલ્લા 22 દિવસથી પાલિકામાં ગેરહાજર છે. પાલિકાના જવાબદાર અધિકારી 22 દિવસ કરતાં વધુ સમયથી ગેરહાજર છે તેમ છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામા આવ્યા નથી તેથી આશ્ચર્ય સર્જાઈ રહ્યું છે.
સુરત પાલિકામાં ઝોનના ઝોનલ ઓફિસર એવા કાર્યપાલક ઈજનેરની ભુમિકા ચાવીરૂપ હોય છે તેમ છતાં પાલિકાના મહેકમ વિભાગે છેલ્લા 22 દિવસથી વરાછા એ ઝોન કાર્યપાલક ઈજનેર વિના ડચકા ખાઈ રહ્યો છે પરંતુ તેમનો ચાર્જ કોઈને સોંપવામા આવ્યો નથી. જેના કારણે ઝોનની અનેક કામગીરી ખોરંભે પડી છે અને લોકોની સમસ્યાનો નિકાલ કરવામાં પણ અન્ય કર્મચારીઓને મુશ્કેલી પડી રહી છે.
હાલમાં જ મહેકમ વિભાગ દ્વારા પેન્સનની પેન્ડીંગ ફાઈલ રાજ્યમાં સૌથી વધુ હોવાથી વિવાદ ઉભો કરાયો છે ત્યારે હવે વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેર 22 દિવસથી મંજુરી વિના ગેરહાજર છે તેની સામે કોઈ કાર્યવાહી ન કરવા સાથે કોઈને ચાર્જ પણ સોંપ્યો નથી તેથી બીજો વિવાદ બહાર આવ્યો છે. કોંગ્રેસે આવી સ્થિતિમાં તાત્કાલિક અસરથી વરાછા ઝોન એ નો કાર્યપાલક ઇજનેર તરીકે કોઈને ચાર્જ આપવામાં આવે અથવા તો કોઈની કાર્યપાલક તરીકે નિમણૂક કરવામાં આવે એવી માંગણી કરી છે.