Surat,તા.૩૦
સુરતના પલસાણાના તુંડી ગામે નજીવી બાબતો ફાયરિંગ થતા ૨ થી ૩ લોકોને ઈજા પહોંચી છે. ફાયરિંગ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પલસાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
સુરતમાં તુંડી ગામની દ્વારકેશ સોસાયટીમાં ક્રિકેટ રમવાની બાબતે ઝઘડો થતા ફાયરિંગ કરાયું હતું. ક્રિકેટ રમવા બાબતે વિકાસ નામના યુવકને ઝગડો થયો હતો. ક્રિકેટ મેદાનમાં ઝગડો કરી વિકાસ પોતાના ઘરે પરત ફર્યો હતો. ઝઘડાની અદાવત રાખી લોકોનું ટોળું વિકાસને મારવા ઘરે પહોચ્યું હતું, લોકોનું મોટું ટોળું જોઈ વિકાસે પિતાની બાર બોરની બંદુકથી ફાયરિંગ કર્યું હતું, ફાયરિંગ કરતા લોકોના ટોળામાં ભાગદોડ મચી જવા પામી હતી. વિકાસે અચાનક ફાયરિંગ કરતા ૨થી ૩ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ફાયરિંગની ઘટનાને પગલે પલસાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. સમગ્ર મામલે પલસાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. અગાઉલ સુરતના ડિંડોલીમાં એક લગ્નના વરઘોડો જઈ રહ્યો હતો ત્યારે ફાયરિંગની ઘટના બની. વરઘોડા દરમ્યાન ત્રણ રાઉન્ડ ફાયરિંગ થતા લોકોમાં દોડધામ મચી હતી. આ ફાયરિંગમાં બે લોકોને ગંભીર ઇજા પંહોચી હતી. પોલીસે આ દુર્ઘટનાને લઈને આસપાસ વિસ્તારના સીસીટીવી ચેક કર્યા. જેમાં સામે આવ્યું કે કેક શોપના માલિક ઉમેશ તિવારી દ્વારા આ ફાયરિંગ કરવામાં આવ્યું. જો કે ઉમેશ તિવારીએ લાયસન્સવાળી બંદૂકથી ફાયરિંગ કર્યું હતું.પરંતુ જ્યારે લગ્નનો વરઘોડો પસાર થઈ રહ્યો હતો ત્યારે કેક શોપના માલિક દ્વારા અચાનક ફાયરિંગ કરાતા બે લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.
ઉધનામાં બે રાઉન્ડ ફાયરિંગ થતા આતંકનો માહોલ છવાયો હતો. જેમાં એક ફાયનાન્સર પર બે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં અંદાજીત બે લોકો બાઈક પર આવ્યા હતા અને ફાયરિંગ કર્યું હોવાની ચર્ચા છે. જેમાં ઓફિસની બહાર કાચ પર બે રાઉન્ડ ફાયર કરવામાં આવ્યાહતા. જોકે આ બનાવમાં કોઈને ઈજા પહોંચી ન હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને પગલે ઉધના પોલીસ ઘટનાસ્થલે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.