ભેસ્તાનમાં ઝવેરીની દુકાનમાં ત્રણ લૂંટારાએ લૂંટ ચલાવી પણ પ્રતિકાર કરતાં દુકાનમાં બે વ્યક્તિને ગળામાં ચાકુ મારી ભાગ્યા
Surat, તા.૨૩
સુરતના ભેસ્તાનમાં ધોળે દહાડે ઝવેરીની દુકાનમાં લૂંટ ચલાવાઈ હતી. જોકે, દુકાન માલિક અને કારીગરે પ્રતિકાર કરતાં બંનેના ગળા કાપીને ત્રણેય લૂંટારુ ભાગી છૂટ્યા હતાં. એક લૂંટારૂને લોકોએ પકડી પાડ્યો હતો. બાકીના બે ભાગી છૂટવામાં સફળ થયા હતાં. લૂંટારૂઓએ ગળા ઉપર ચાકુ ફેરવતાં જ્વેલરી શોપના માલિક અને કારીગર બંનેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.શહેરના ઉધના-નવસારી મેઈનરોડ ઉપર ભેસ્તાન ચાર રસ્તા પર આવેલી શાંતિનાથ જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ થયો હતો. બપોરે ૨થી ૨.૩૦ વાગ્યાની આસપાસ ૩ લૂંટારૂઓ તિક્ષ્ણ હથિયારો સાથે ઘુસી આવ્યાં હતાં. જેમણે લૂંટનો પ્રયાસ કર્યો હતો. અચાનક દુકાનમાં ધસી આવેલા લૂંટારૂને દુકાનમાં હાજર માલિક અને કારીગર દ્વારા પ્રતિકાર કરવામાં આવ્યો હતો. જો કે, લૂંટારૂઓએ બંનેના ગળા પર તિક્ષ્ણ હથિયાર ફેરવી દેતા બન્ને લોહીલુહાણ થઈ ગયા હતાં. લૂંટની આ ઘટનાથી બૂમાબૂમ મચી ગઈ હતી. સ્થાનિકો દોડી આવ્યા હતાં. બન્ને ઈજાગ્રસ્તોને ગળાના ભાગે રૂમાલ બાંધી હોસ્પિટલ ખસેડ્યા હતાં. ત્રણ લૂંટારા પૈકી એકને ઝડપી લીધો હતો. ત્યારબાદ દોડી આવેલી પોલીસના હવાલે આ લૂંટારૂને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ હાથ ધરીને લૂંટના બનાવમાં સામેલ અન્ય બે લૂંટારાને પકડવા માટેની દિશામાં મથામણ શરૂ કરી છે.

